- માઉન્ટ આબુના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા
- થર્ટી ફર્સ્ટની ઊજવણી માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં
- માઉન્ટના પોલો ગ્રાઉન્ડ ખાતે શીત મહોત્સવનું આયોજન
અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાંયુ વાતાવરણ સર્જાયુ છે. ત્યારે ગુજરાતની સરહદ પર આવેલા માઉન્ટ આબુ પર માઈનસ તાપમાનમાં ઠંડીને માણવા માટે અને થર્ટી ફર્સ્ટ મનાવવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. હીલ સ્ટેશનમાં પ્રવાસીઓ બર્ફિલી ઠંડીની મોજ માણી રહ્યા છે. ગુરૂ શિખર સહિત પહાડી વિસ્તારમાં બરફ વર્ષા પણ થઈ હતી. અને સમગ્ર માઉન્ટમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાયુ હતુ. તેના લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
હીલ સ્ટેશન માઉન્ટ આબુના પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાએ જમાવટ કરી છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી બરફ વર્ષાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તાપમાનમાં ઘટાડાથી માઉન્ટ આબુનું બર્ફિલા વાતાવરણથી પ્રવાસીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. માઉન્ટમાં અનેક લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્તુઓ અને આગનો સહારો લઈ રહ્યા છે. ગઈકાલે નાતાલના દિવસે માઉન્ટ આબુનું તાપમાન માઇનસ એક ડીગ્રી નોંધાયું હતુ. જ્યારે ગુરુ શિખર ખાતે માઇનસ 3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
માઉન્ટ આબુની કડકડતી ઠંડીને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. માઉન્ટ આબુ રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે ઓળખાય છે. હાલમાં નાતાલના વેકેશનને લીધે મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીની મોજ માણી રહ્યા છે. માઉન્ટના નક્કી તળાવ આસપાસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હરવા ફરવા માટે આવતા હોય છે. ત્યારે માઉન્ટ આબુ ખાતે આગામી દિવસોમાં શીત મહોત્સવ કાર્યક્રમ પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાશે. માઉન્ટ આબુ ખાતે નવા વર્ષને વધાવવા માટે પર્યટકો મોટી સંખ્યામાં અત્યારથી પહોંચી રહ્યા છે.