ઊના, 8 જુન 2026 : One killed in triple accident ગીર સોમનાથ જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગત મોડી રાત્રે જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા-બેડીયા રોડ પર સર્જાયો હતો. ધોકડવા-બેડીયા રોડ પર બે કાર અને એક બાઈક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં રાજકોટના 21 વર્ષીય નવપરિણીત યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ આકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગીરગઢડા તાલુકાના બેડીયા ગામ નજીક રાત્રિના સમયે બે કાર અને એક બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અથડામણનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં મૃત્યુ પામનાર દેવલભાઈ જગદીશભાઈ ગોહિલ (ઉ.વ. 21) મૂળ બીલખાના અને હાલ રાજકોટ રહેતા હતા. દેવલભાઈના લગ્ન હજુ માત્ર પાંચ મહિના પહેલાં જ ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામે થયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ દેવલભાઈ પોતાની પત્નીને તેડવા માટે રાજકોટથી ખિલાવડ આવી રહ્યા હતા. ત્યારે દેવલભાઈને રસ્તામાં જ કાળ આંબી ગયો અને પરિવારની ખુશીઓ પળવારમાં શોકમાં ફેરવાઈ ગઈ. આ અકસ્માતમાં ચંપુભાઈ મનુભાઈ શેખવા (ઉ.વ. 60), રહે. ડાભાળી, જી. અમરેલી, મિહિર ચુડાસમા (ઉ.વ. 22), વિપુલભાઈ કનુભાઈ મેવાડા (ઉ.વ. 30) અને રાહુલ વાલજીભાઈ મેવાડા (ઉ.વ. 22), રહે. આંબાડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ઊનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં ગીરગઢડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરી અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.


