HomeગુજરાતીગુજરાતKYCનું વળતર ન ચૂકવતાં રેશનિંગના દુકાનદારો 1લી જુનથી અનાજનું વિતરણ નહીં કરે

KYCનું વળતર ન ચૂકવતાં રેશનિંગના દુકાનદારો 1લી જુનથી અનાજનું વિતરણ નહીં કરે

  • 17000 રેશનિંગના દૂકાનદારોએ સરકાર સામે મોરચો માંડ્યો
  • KYC પર્ણ કરવામાં સરકારની નિષ્ફળતા
  • બારકોડ રેશનકાર્ડ સિસ્ટમ અમલી બનાવાઇ પણ હજુયે સર્વરના ઠેકાણાં નથી

અમદાવાદઃ રાજ્યમાં રેશનકાર્ડધારકોને કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે પરિવારોએ કેવાયસી નથી કરાવ્યા તેમને રેશનીંગની દુકાનોથી અનાજ સહિતની ચિજવસ્તુઓ મળશે નહીં. જોકે ઈ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે રેશનિંગની દુકાનના દુકાનદારો પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. ત્યારે કેવાયસી  સહિત  વિવિધ પ્રશ્નો ન ઉકેલાતાં  હવે  રેશનીંગના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાતમાં 17 હજાર  દુકાનદારોએ  તા.1લી જૂનથી અનાજનું વિતરણ નહી કરવા નિર્ણય કર્યો છે.  રેશનિંગના દુકાનદારોના કહેવા મુજબ  કેવાયસી  પૂર્ણ કરવામાં ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ રહી છે ત્યારે દુકાનદારો પર દબાણ કરવુ યોગ્ય નથી. વાસ્તવમાં સરકારે ઘેર ઘેર જઇને આખીય પ્રક્રિયા આટોપી લેવી જોઇએ.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં રેશનીંગના કાર્ડ ધારકોને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં અનેક વિસંગતતા ઉભી થઇ છે જેના લીધે પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો આમને સામને આવ્યાં છે. દુકાનદારોને પડતી મુશ્કેલીઓના મામલે  ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનની એક બેઠક મળી હતી જેમાં એવી ચર્ચા કરવામાં આવી કે, કેવાયસી પૂર્ણ કરવા માટે રેશનિંગના દુકાનદારો પર દબાણ કરવામાં આવી રહ્યુ છે. પણ હકીકતમાં કેવાયસીનું કામ પૂર્ણ કરવાની જવાબદારી પુરવઠા વિભાગની છે. મહત્વની વાત એ છે કે, 6 મહિનાથી દુકાનદારો કેવાયસીની કામગીરી કરી રહ્યાં છે પણ હજુ સુધી વળતર ચુકવાયું નથી. માત્ર પાંચ રૂપિયા મહેનતાણું મળી રહ્યુ છે. દુકાનદારોની માંગ છેકે, હવે રૂ.25 મહેનતાણું મળવુ જોઇએ.

રેશનિંગના  દુકાનદારોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો રાજ્ય પુરવઠા વિભાગ ઈ કેવાયસી પ્રક્રિયા 100 ટકા પૂર્ણ નહીં કરે તો તા,1 જૂનથી અનાજ વિતરણ વ્યવસ્થા કરાશે નહીં. સરકાર વિરૂદ્ધ કોર્ટમાં જઇ લડત લડવા પણ તૈયારી દર્શાવાઇ છે. અન્ય પ્રશ્નો મુદ્દે દુકાનદારોનું કહેવુ છેકે, દુકાનમાં જેટલાં કાર્ડ હોય તે બધાય કાર્ડ પર અનાજ વિતરણ થાય તો જ રૂા.20 હજાર કમિશન મળે છે જે યોગ્ય નથી. પુરવઠા વિભાગનો આગ્રહ છેકે, દુકાનદારો બે મહિનાનો અનાજનો જથ્થો ખરીદે. પણ નાની દુકાન હોય તો, અનાજનો જથ્થો મુકવો ક્યાં? એ મોટો સવાલ છે. લાખો રૂપિયા ખર્ચીને બારકોડ રેશનકાર્ડ સિસ્ટમ અમલી બનાવાઇ છે પણ હજુય સર્વરના ઠેકાણાં નથી. કેવાયસીના નામે જે પરિવારોનુ અનાજ બંધ કરાયુ છે તે ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.  ખાસ કરીને નાના બાળકો-વૃદ્ધોની ફિંગર પ્રિન્ટ-ફોટો આવતો નથી તેમનું અનાજ સુઘ્ધાં બંધ કરી દેવાયુ છે ત્યારે આ પરિવારોને રાહત આપવા પણ માંગ કરાઇ છે. કોરોનામાં કેટલાંય દુકાનદારોના મૃત્યુ થયાં છે ત્યારે સરકારની જાહેરાત પછી પણ હજુ સુધી રૂા.25 લાખની સહાય ચૂકવાઇ નથી. આમ, વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારોએ સરકાર સામે બાંયો ચડાવી છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular