Homeગુજરાતીગુજરાતકચ્છમાં અછતની સ્થિતિ, 250 માલધારીઓએ પશુધન સાથે કરી હિજરત

કચ્છમાં અછતની સ્થિતિ, 250 માલધારીઓએ પશુધન સાથે કરી હિજરત

ભૂજ, 13 ઓક્ટોબર, 2026 : Shortage situation in Kutch  ગુજરાતમાં મેઘરાજાએ વિદાય લીધી છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 57.60 ટકા જ પડ્યો છે. જેમાં અબડાસા, અંજાર અને મુન્દ્રા તાલુકામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. જેને લીધે શિયાળાના આગમન પહેલા જ અછતની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને માલધારીઓની હાલત કફોડી બની છે. લીલા અને સુકા ચારાના ભાવમાં તોતિંગ વધારાને લીધે પશુઓના પાલનનો ખર્ચ વધી ગયો છે. ત્યારે ઘણાબધા માલધારીઓએ માલઢોર સાથે હિજરત કરી રહ્યા છે. ઘણા માલધારીઓએ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના માલવણ, બજાણા, અખીયાણા, પીપળી, ગેડિયા, ખેરવા સહિતની અલગ અલગ સીમના ગૌચરોની જમીનોમાં અને વાવેતર વગરના ખેતરોમાં માલ-ઢોરને લઈને તંબુ બાંધીને વસવાટ કરવા લાગ્યા છે.

કચ્છમાં અપુરતા વરસાદને લીધે સૌથી કફોડી સ્થિતિ માલધારીઓની છે. માલ-ઢોરના જીવ સાચવવા માટે હવે માલધારીઓ હિજરત કરવા લાગ્યા છે. કચ્છમાં વરસાદ 35% જેટલો ઓછો પડ્યો છે, ત્યારે કચ્છના માલધારીઓ હવે પોતાના માલ-ઢોર લઈને સૌરાષ્ટ્ર તરફ વળ્યા છે. કચ્છથી પોતાના માલ-ઢોર સાથે ચાલીને અને પોતાની થોડી જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને સૌરાષ્ટ્ર તરફ આવવા માટે નીકળ્યા છે.  સુરેન્દ્રનગર જિલ્લો કેનાલની સુવિધા ધરાવતો જિલ્લો હોવાના કારણે હજુ આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા થોડી ઓછી છે. નર્મદાની કેનાલો હાલ ચાલુ કરવામાં આવી છે, તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા અત્યાર સુધી ઊભી નથી થઈ. ત્યારે કચ્છના માલધારીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવીને વસાહત કરવા લાગ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ, બજાણા, અખીયાણા, પીપળી, ગેડિયા, ખેરવા સહિતની અલગ અલગ સીમના ગૌચરોની જમીનોમાં અને વાવેતર વગરના ખેતરોમાં માલ-ઢોરને લઈને તંબુ બાંધીને વસવાટ કરવા લાગ્યા છે. 250થી વધુ માલધારી પરિવારોએ પશુધન સાથે પાટડી અને આજુબાજુના વિસ્તારમાં આવીને વસવાટ કરવા લાગ્યા છે. જોકે સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા પણ તેમને ખૂબ સહકાર આપવામાં આવી રહ્યો છે. પીવાના પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, રહેવા-જમવા અને માલ-ઢોર સાચવવા માટે જમીન પણ આપવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા જે ખેતરોમાં વાવેતર નથી કરવામાં આવ્યા ત્યાં જ તેમને રાખીને તેમના માલ-ઢોર અને બાળ-બચ્ચાં સચવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા પણ હાથ ધરવામાં આવ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular