અમદાવાદ, 13 ઓક્ટોબર, 2026 : Youth danced in ‘Garba’ during Navratri ગુજરાતભરમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઊજવાય રહ્યો છે. અમદાવાદ સહિત તમામ નાના-મોટા શહેરો અને ગામેગામ નવરાત્રી પર્વમાં ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂંમી રહ્યા છે. અમદાવાદ શહેરમાં તમામ સોસાયટીઓ તેમજ પાર્ટી પ્લોટ્સમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી રહી છે. રાજકોટના રણજિતવિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલા અવનવા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડોદરાના યુનાઈટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ જોવા મળી રહ્યું છે, સુરત શહેરની તો વાત જ નોખી છે. યુવાધન મોડી રાત સુધી ગરબાના હિળોલે ઝૂમી રહ્યું છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં નવરાત્રી પર્વનો અનોખો ઉત્સહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઐશ્વર્યા મજમુદાર, જીગરદાન ગઢવી સહિતના સિંગરે ખેલૈયાઓને ડોલાવ્યા છે. તો વડોદરામાં અતુલ પુરોહિતના સૂર સંગ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો રંગારંગા પ્રારંભ થયો છે. તો બીજી તરફ વડોદરાના યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબામાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબે ઘૂંમી રહ્યા છે.
અમદાવાદની સ્વર્ણિમ નગરી નવરાત્રિમાં સિંગર ઐશ્વર્યા મજમુદારે રાસ ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ડોલાવ્યા હતા તો સાચી નવરાત્રિમાં જીગરદાન ગઢવી અને નવસત્વ ગરબામાં દિવ્યા ચૌધરીને સંગ ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સંસ્કૃતિ જાળવવા માટે નવરાત્રિની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે 200 જેટલી બહેનોનું અદભૂત શૌર્ય જોવા મળ્યું હતું. 10 વર્ષની બાળાથી લઇ 50 વર્ષની બહેનોએ ખાસ તલવાર રાસ રજૂ કર્યો હતો.


