ત્રણ નવા ફોજદારી કાયદાએ દેશની અપરાધિક ન્યાય વ્યવસ્થાની નીતિને સજાલક્ષીમાંથી ન્યાયલક્ષીમાં પરિવર્તિત કરીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 59મી ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંમેલનના બીજા અને ત્રીજા દિવસની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. હાઇબ્રિડ ફોર્મેટમાં આયોજિત આ સંમેલનમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં ડીજીએસપી/આઇજીએસપી તથા સીએપીએફ/સીપીઓનાં વડાઓ રૂબરૂ તેમજ વર્ચ્યુઅલ રીતે તમામ રાજ્યોનાં વિવિધ રેન્કનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. આ ચર્ચામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવે પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઇન્ટેલિજન્સ બ્યુરોનાં અધિકારીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ્સ એનાયત કર્યા હતાં અને ગૃહ મંત્રાલયનાં ‘રેન્કિંગ ઓફ પોલીસ સ્ટેશન્સ 2024’ પરનાં પુસ્તકનું વિમોચન કર્યું હતું. શ્રી શાહે ત્રણ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોને ટ્રોફીઓ પણ એનાયત કરી હતી.
અમિત શાહે તેમનાં ઉદઘાટન સંબોધનમાં પોલીસનાં નેતૃત્વને સામાન્ય ચૂંટણીઓ – 2024નાં સુચારૂ સંચાલન અને 3 નવા ફોજદારી કાયદાનાં સાતત્યપૂર્ણ અમલ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો કરવા તરફ દોરી જતી નોંધપાત્ર સિદ્ધિઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
અમિત શાહે જણાવ્યું હતું કે, ત્રણ નવા ફોજદારી કાયદાએ દેશની અપરાધિક ન્યાય વ્યવસ્થાની નીતિને સજાલક્ષીમાંથી ન્યાયલક્ષીમાં પરિવર્તિત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા કાયદાઓની ભાવનાનાં મૂળ ભારતીય પરંપરામાં રહેલાં છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નાં સ્વપ્નને સાકાર કરવામાં સુરક્ષા સંસ્થાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને વર્ષ 2027 સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વીય સરહદ પર સુરક્ષાને લગતા પડકારો, ઇમિગ્રેશન અને શહેરી પોલીસ વ્યવસ્થામાં પ્રવાહો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અમિત શાહે ઝીરો ટોલરન્સ સ્ટ્રેટેજી પ્લાન અને ઝીરો ટોલરન્સ પોલિસીનો અમલ કરવા ઝીરો ટોલરન્સ એક્શન તરફ પહેલ કરવા અપીલ કરી હતી.
કોન્ફરન્સના આગામી બે દિવસ દરમિયાન દેશના પોલીસ બેડાના ટોચના અધિકારીઓ એલડબ્લ્યુઇ, કોસ્ટલ સિક્યુરિટી, નાર્કોટિક્સ, સાયબર ક્રાઇમ અને ઇકોનોમિક સિક્યુરિટી સહિતના વર્તમાન અને ઉભરતા રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે એક રોડમેપ તૈયાર કરશે. નવા ફોજદારી કાયદાઓના અમલીકરણમાં થયેલી પ્રગતિ અને પોલીસતંત્રમાં પહેલો અને શ્રેષ્ઠ પદ્ધતિઓની પણ આગામી બે દિવસ દરમિયાન સમીક્ષા કરવામાં આવશે.