સુરત, 24 જુન 2026 : 3 women caught with 42 kg of ganja શહેરના સચીન વિસ્તારમાં અંબિકાનગરના એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઓડિશાથી મંગાવેલા 42 કિલો ગાંજાના જથ્થા સાથે 3 મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સીધો ગાંજો મંગાવીને સુરતના જાણીતા ઇન્ડસ્ટ્રિયલ અને મજૂર વર્ગ ધરાવતા વિસ્તારોમાં સપ્લાય કરતી હતી. ઓડિશાથી ટ્રેન કે અન્ય ખાનગી વાહનો મારફતે 3 મોટી સુટકેસોમાં આ જથ્થો સુરત લાવીને અહીં સંગ્રહ કરવામાં આવતો હતો અને ત્યારબાદ તેનું લોકલ ડિસ્ટ્રિબ્યુશન થતું હતું.
શહેરના સચીન પોલીસે બાતમીને આધારે સચિન વિસ્તારમાં અંબિકાનગર, પારડી-કણદે ખાતે આવેલા ઘર નંબર 240 માં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 42 કિલો ગાંજો મળી આવ્યો હતો. અને ઘરમાં હાજર 3 મહિલાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય મહિલાઓ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના કબીસુર્યનગર તાલુકાના નુઆબેધા સેરી, બનદાદેવી પટના ગામની વતની છે અને હાલ સુરતમાં રહીને નશાનો વેપાર ચલાવતી હતી. પકડાયેલી મહિલાઓમાં 29 વર્ષીય સીતા નરેશ સુરેન્દ્ર દલાઇ, 54 વર્ષીય સુકંતી રામા નાહક, અને 40 વર્ષીય આરતી ક્રુપાસિંધુ લડ્ડકિશોર બરાડનો સમાવેશ થાય છે.
પોલીસે ત્રણેય મહિલાની પૂછપરછ કરતા એવો ખુલાસો થયો છે કે આ મહિલાઓ સુરતના સચીન જીઆઈડીસી અને તેની આસપાસના મોટા ઔદ્યોગિક વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો અને કારખાનાના મજૂરો કામ કરે છે, જેમને નાની-નાની પડીકીઓ બનાવીને ઊંચા ભાવે આ ગાંજો વેચવામાં આવતો હતો. ઓડિશાથી ટ્રેન કે અન્ય ખાનગી વાહનો મારફતે 3 મોટી સુટકેસોમાં આ જથ્થો સુરત લાવીને અહીં સંગ્રહ કરવામાં આવતો હતો અને ત્યારબાદ તેનું લોકલ ડિસ્ટ્રિબ્યુશન થતું હતું.
સચીન પોલીસે આ દરોડા દરમિયાન મહિલાઓના કબજામાંથી ગેરકાયદે માદક પદાર્થ ગાંજો કુલ 42.02 કિલોગ્રામ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 21,01,000/- જેટલી થાય છે. આ ઉપરાંત, નશાના નેટવર્કમાં ગ્રાહકો અને મુખ્ય સપ્લાયરો સાથે સંપર્ક કરવા માટે વપરાતા 4 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 20,000/-), આધારકાર્ડની નકલો 3 નંગ, ઘરનું લાઈટબિલ તેમજ ગાંજો છુપાવીને લાવવા માટે ઉપયોગમાં લેવાયેલી વાદળી, જાંબલી અને ગ્રે કલરની 3 મોટી સુટકેસો તથા 1 લીલા રંગનો થેલો મળીને કુલ રૂપિયા 21,21,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.


