અમદાવાદ, 5 જુન, 2026 : Car falls off Chandrabhaga Bridge શહેરના રાણીપ અને વાડજ વિસ્તારને જોડતા ચંદ્રભાગા બ્રીજ પર એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી બ્રીજ નીચે આવેલી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે બી ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના રાણીપ અને વાડજને જોડતા ચંદ્રભાગા બ્રિજ પાસે ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી કેનાલમાં ખાબકી હતી. આ બનાવને લીધે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તેમજ અકસ્માતમાં કારચાલક અને તેનો મિત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ કારને ક્રેન મારફતે કેનાલમાંથી બહાર પણ કાઢવામાં આવી છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા વિશાલ શાહ નામનો યુવક પોતાની GJ-18-EE-9000 નંબરની કાર પૂરપાટ ઝડપે ચલાવીને જઈ રહ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સીધી જ ચંદ્રભાગા કેનાલમાં ખાબકી ગઈ હતી. કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી જેથી આગળ રસ્તાનું કામ ચાલુ છે તે કારચાલકને દેખાયું નહીં હોય. જેથી બ્રિજ પરનો રસ્તો પૂરો થઈ જતા કાર સીધી બ્રિજ પરથી નીચે કેનાલમાં ખાબકી ગઈ હતી. કેનાલમાં કાર ખાબકી ગયા બાદ ધડાકાભેર અવાજ આવતા જ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. પોલીસ કંટ્રોલ રૂમને સવારે આશરે 4 વાગ્યે ચંદ્રભાગા બ્રિજ નજીક એક ફોર વ્હીલર બ્રિજ પરથી નીચે કેનાલમાં ખાબકી ગઈ હોવાની માહિતી મળી હતી. જેથી માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ અકસ્માતમાં કાર ચાલક અને તેના મિત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કાર ચાલક અને તેના મિત્રની તપાસ કરતા વિશાલ શાહ નવરંગપુરાની એવન કેલાશ સોસાયટીમાં રહે છે, જ્યારે પ્રણવકુમાર પટેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય ઈજાઓ થતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોતાનું અને બીજાનું જીવન જોખમાય તે રીતે કાર ચલાવતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ પણ નોંધી છે. અકસ્માત સમયે બંને યુવકો ક્યાંથી આવી રહ્યા હતા અને અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


