અમદાવાદ, 16 ઓક્ટોબર, 2026 : Union Home Minister Amit Shah will arrive in Gujarat on a two-day visit today કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે શુક્રવારે બપોરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચશે. શાહ તેમના બે દિવસના રોકાણ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજિત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમજ રૂપાલ અને માણસા ખાતે માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે તા. 16 ઓક્ટોબરે બપોરે 12:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં નવરાત્રીના ઉત્સવમાં હાજરી આપશે. અમિત શાહ પોતાના પરિવાર સાથે ગાંધીનગરના રૂપાલ ખાતે આવેલા પ્રખ્યાત વરદાયિની માતાજીના મંદિરે અને માણસા ખાતે બહુચર માતાના મંદિરે દર્શન તથા પૂજા-આરતી કરશે. નવરાત્રિના પવિત્ર પર્વ પ્રસંગે તેઓ અચૂક માતાજીના આશીર્વાદ લેવા માટે પરિવાર સાથે દર્શનાર્થે જતા હોય છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શિવજીની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ વાવોલ ખાતે તેમના માટે રાત્રી ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભોજન બાદ તેઓ કોલવડા ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે. ગાંધીનગરના તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ આજે 16 ઓક્ટોબરની રાત્રે તેઓ અમદાવાદ પરત ફરશે, જ્યાં મોડી રાત્રે સ્થાનિક ગરબા આયોજનમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે. 17 ઓક્ટોબરે આખો દિવસ અમદાવાદમાં જ ઉપસ્થિત રહ્યા બાદ બપોરે તેઓ દિલ્હી જવા રવાના થશે.


