
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025: ભારતે પાકિસ્તાન સામે સેમિફાઈનલ રમવાનો કર્યો ઈન્કાર
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 દરેકનું ધ્યાન ખેંચી રહી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ આ લીગમાં રમી રહ્યા છે. આ લીગની સેમિફાઇનલ મેચ 31 જુલાઈએ રમાનારી છે. ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે પહેલી સેમિફાઇનલ મેચ યોજાવાની છે. પરંતુ આ મેચ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની સેમિફાઇનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો છે. ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફ સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખી છે. આ નિર્ણય લીગ સ્ટેજ મેચ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સરે પાકિસ્તાન સામે રમવાનો વાંધો ઉઠાવ્યો હતો. આ લીગમાં આ પહેલીવાર નથી. અગાઉ પણ લીગ સ્ટેજમાં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે મેચ રમવાની હતી. પરંતુ તે પછી પણ ભારતીય ખેલાડીઓએ મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો અને બંને ટીમો વચ્ચે પોઈન્ટ વહેંચવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે નોકઆઉટ મેચ છે અને ફાઇનલની ટિકિટ દાવ પર લાગેલી છે. આવી સ્થિતિમાં, કઈ ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે તે એક મોટો પ્રશ્ન છે. અથવા ભારતીય ટીમનો સેમિફાઇનલ મેચ કોઈ અન્ય ટીમ સાથે કરી શકાય છે.
હકીકતમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. જેની રમતગમત પર પણ અસર પડી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન પહેલાથી જ પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમવાનો ઇનકાર કરી ચૂક્યો હતો. ઇન્ડિયા ચેમ્પિયન્સે મંગળવારે પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સને માત્ર 13.2 ઓવરમાં હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સિઝનમાં ઇન્ડિયા ચેમ્પિયન્સનો પણ આ પહેલો વિજય હતો, જેના કારણે તેઓ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહ્યા હતા. અગાઉ, ઇન્ડિયા ચેમ્પિયન્સને દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.