અમદાવાદ, 18 જુન, 2026 : 10 lakhs stolen just after downloading the APK file સાયબર ક્રાઈમ માફિયાઓ અવનવી તરકીબો અપનાવીને લોકોને છેતરતા હોય છે. મોબાઈલ ફોનના વોટ્સએપ પર આરટીઓ ચલણના નામે APK ફાઈલ મોકલતા હોય છે. અને મોબાઈલ ફોનધારક APK ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેન્ગ થઈને તેના તમામ એક્સેસ સાયબર માફિયાના હાથમાં આવી જતા હોય છે. અને આસાનીથી બેન્કમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હોય છે. આવો જ એક બનાવ શહેરના નિકોલ વિસ્તારમાં બન્યો છે. નિકોલમાં રહેતા યુવકના વોટ્સએપમાં એક RTO ચલણની APK ફાઇલ અજાણ્યા શખ્સે મોકલી હતી. જે ડાઉનલોડ કરતા યુવકના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શનથી 10 લાખ ઉપડી ગયા હતા. યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઇનમાં જાણ કરીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નિકોલ વિસ્તારમાં રહેતો 35 વર્ષીય યુવક લોખંડનો ધંધો કરે છે. યુવકના ફોનમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં RTO ચલણની ફાઇલ આવી હતી. જે ફાઈલ ડાઉનલોડ કરતા યુવકના ફોનમાં થોડીવારમાં બેન્કમાંથી પૈસા ટ્રાન્સફર થયાના મેસેજ આવ્યા હતા. યુવક મોબાઈલ સ્વીચ ઓફ કરીને બેંકમાં જતો રહ્યો હતો. યુવકને જાણ થઈ કે અજાણ્યા શખસે APK ફાઇલ ડાઉનલોડ કરાવી મોબાઈલનું એક્સેસ મેળવી લીધું હતું. અજાણ્યા શખસે જ યુવકના આઈડી, પાસવર્ડ જાણીને તેના અને તેની પત્નીના બેંક એકાઉન્ટમાંથી 9.99 લાખ ઉપાડી લીધા છે. યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી જે બાદ યુવકે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


