ગાંધીનગર, 20 એપ્રિલ 2026: 28 societies submit complaint to GMC Commissioner against PG પાટનગર ગાંધીનગરમાં શાળા કોલેજો અને જીપીએસસીના ખાસ વર્ગો માટે વિદ્યાર્થીઓ હોસ્ટેલની સુવિધા ન હોવાથી પીજીમાં રહેતા હોય છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ પણ પીજીમાં રહેતા હોય છે. શહેરના કુડાસણ, રાયસણ, સરગાસણ અને રાંદેસણ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પીજી ચાલી રહ્યા છે. ત્યારે હવે સોસાયટીના રહિશો પીજીનો ભારે વિરોધ કરી રહ્યા છે. શાંત અને સલામત રહેણાંક વિસ્તારોમાં ફૂટી નીકળેલા ગેરકાયદેસર પેઈંગ ગેસ્ટ (PG) ના વ્યવસાયે સ્થાનિક લોકોની ઊંઘ હરામ કરી દીધી છે.
શહેરના વિકસિત એવા કુડાસણ, રાયસણ, સરગાસણ અને રાંદેસણ વિસ્તાર સહિત 28 જેટલી અગ્રણી સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓએ સહી-સિક્કા સાથે મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત રજૂઆત કરી આ ગેરકાયદે પીજી બંધ કરાવવા માટે રજૂઆત કરી છે. સોસાયટીના રહિશોએ અગાઉ પણ રજુઆતો કરી હતી પણ કોઈ જ પગલાં લેવાયા નહોતા.રહીશોએ ગત 27 માર્ચના રોજ મેયર અને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ મુલાકાત દરમિયાન રહીશોએ પુરાવા સાથે રજૂઆત કરી હતી કે કેવી રીતે રહેણાંક ફ્લેટોમાં વ્યાવસાયિક રીતે પીજી ધમધમી રહ્યા છે. જોકે, આ રજૂઆતને લાંબો સમય વીતી ગયો હોવા છતાં, કમિશનર કચેરી તરફથી તપાસનો એક આદેશ પણ છૂટ્યો નથી.
સોસાયટીના રહિશોના કહેવા મુજબ જે ફ્લેટ પરિવારોને રહેવા માટે ખરીદવામાં આવ્યા હતા, ત્યાં હવે વ્યાવસાયિક ધોરણે પીજી ચલાવવામાં આવી રહ્યા છે. એક જ ફ્લેટમાં ક્ષમતા કરતા વધુ લોકોને રાખવામાં આવતા હોવાથી સોસાયટીના સંસાધનો જેવા કે પાણી, લિફ્ટ અને પાર્કિંગ પર અસહ્ય ભારણ વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ જાહેરાતો આપીને પીજી ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેની કોઈ સત્તાવાર નોંધણી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવતી નથી. અન્ય રાજ્યોમાંથી આવતા યુવક, યુવતીઓનું કોઇ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવતું નથી. જેની સીધી અસર સોસાયટીઓમાં રહેતા પરિવારોના બાળકો પર પણ થાય છે. રહીશોએ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય અને શહેરી વિકાસ વિભાગને પણ આ મામલે પત્ર લખીને તાકીદે પગલાં લેવા વિનંતી કરી છે.
સોસાયટીઓમાં રહેતા લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીજીમાં રહેવા આવતા યુવક-યુવતીઓ કે અન્ય વ્યક્તિઓનું કોઈ જ પોલીસ વેરિફિકેશન કરવામાં આવતું નથી. રાજ્ય બહારથી આવતા અજાણ્યા લોકોની સતત અવરજવરને કારણે સોસાયટીમાં રહેતી મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. રહીશોએ આશંકા વ્યક્ત કરી છે કે જો કોઈ અસામાજિક તત્વો અહીં આશરો લેશે, તો તેની જવાબદારી કોની રહેશે?


