ગાંધીનગર, 15 ઓક્ટોબર, 2026 : 40 students from Chandigarh meet CM for congratulatory meeting વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરતી ‘યુવા સંગમ’ પહેલ અંતર્ગત ચંડીગઢથી આશરે 40 સભ્યોનું વિદ્યાર્થી પ્રતિનિધિમંડળ સંસ્થાકીય પ્રતિનિધિઓ સાથે તા. 10 થી 16 ઑક્ટોબર, 2026 દરમિયાન ગુજરાતની મુલાકાતે છે.
આ છાત્ર પ્રતિનિધિમંડળે બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને સચિવ ડૉ. અજય કુમાર પણ આ વેળાએ જોડાયા હતા.
દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન, સંવાદ, રાષ્ટ્રીય એકતા અને પરસ્પર સમજણની ભાવનાને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી ‘યુવા સંગમ’ પહેલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યુવા વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં તેમને જીવનમાં સકારાત્મકતા સાથે પ્રગતિ સાધવા તેમજ ગુજરાતની વિકાસયાત્રાની તેમણે કરેલી અનુભૂતિ અંગે પોતાના રાજ્યમાં ખુલ્લા મને ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસનું રોલમોડલ બન્યું છે તેની વિશેષતાઓ પણ મુખ્યમંત્રીએ યુવાછાત્રો સમક્ષ કરી પ્રસ્તુત કરી હતી.
કેન્દ્ર સરકારની આ પહેલના માધ્યમથી વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરાઓ, વારસો, વિકાસના મોડેલો, નવીનતાઓ અને ટેકનોલૉજિકલ પ્રગતિ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવે એવો ધ્યેય રાખવામાં આવ્યો છે.
આ ધ્યેયને સાકાર કરવા માટે યુવા સંગમનાં પર્યટન (Tourism), પરંપરા (Traditions) પ્રગતિ (Progress), જન-જન વચ્ચે સંપર્ક (People-to-People Connect) અને ટેક્નોલોજી એમ પાંચ મુખ્ય આયામો પર તમામ પ્રવૃત્તિઓ આધારિત છે.
આ છાત્ર પર્તિનિધિમંડળના વિદ્યાર્થીઓ ગુજરાતનાં ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોનો પરિચય કરે, સ્થાનિક સંસ્કૃતિ, રીતરિવાજો અને પરંપરાઓની સમજ તેમજ વિકાસ મોડેલ, ઔદ્યોગિક સિદ્ધિઓ અને વિકાસલક્ષી પહેલોની જાણકારી મેળવે તે માટે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીએ આ પ્રતિનિધિમંડળની યજમાની કરી છે. એટલું જ નહિ, વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સંવાદ, પરસ્પર સમજ અને લાંબા ગાળાના સંબંધોનું નિર્માણ થાય અને ટેકનોલોજી અને ઇનોવેશનન્સના વિવિધ ક્ષેત્રોમાં થતો ઉપયોગ સમજાવવાનો પણ ધ્યેય રાખવામાં આવ્યો છે.


