જામનગર, 15 એપ્રિલ 2026: Passenger bus overturns રાજકોટ-જામનગર અને દ્વારકા હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ખંભાળિયા હાઈવે પર યાત્રાળુઓની લકઝરી બસ પલટી ગઈ હતી. જામનગર- ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી ખાનગી મિનિ બસ પલટી જતા બે મહિલા સહિત છ મુસાફરોને ઇજા થઇ હતી.જ્યારે અન્ય બે અકસ્માતોમાં ૮ને ઇજા થઇ હતી.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર- ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે ખાનગી મીની બસ પલટી ખાઇ જતા યાત્રાળુઓઓ પૈકી બે મહિલા સહિત છને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ અને સિક્કાની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી, અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય જિલ્લાના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો હતો.
રાજકોટ-જામનગર હાઇવે પર ખીમરાણા ગામના પાટિયા પાસે પણ અકસ્માતનો બીજો બનાવ બન્યો હતો. વનરાજસિંહ બાલુભા જેઠવા પોતાના પત્ની જયશ્રીબા, પુત્રી કામ્યાબા(ઉ.વ.15) અને પુત્ર ભાગ્યરાજસિંહ (ઉ.વ.11)સાથે બાઈક પર ખીરી ગામ ખાતે આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ચારેયને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત બાદ ચાલક પોતાની કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતનો ત્રીજો બનાવમાં જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બાયપાસ રોડ પર બેફામ ગતિએ દોડતી કારના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ચાલક મોહમદ રફીક બોદુભાઈ નાયક(ઉ.વ. 52)ને ગંભીર ઈજા,જ્યારે રિક્ષામાં બેઠેલા એક મહિલા સહિતના ત્રણ મુસાફરોને પણ ઈજા થઇ હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


