Homeગુજરાતીગાઝા અને યુક્રેનમાં ભારત નહીં મોકલે શાંતિસેના, UN અધિકૃત મિશનમાં જ તૈનાત...

ગાઝા અને યુક્રેનમાં ભારત નહીં મોકલે શાંતિસેના, UN અધિકૃત મિશનમાં જ તૈનાત કરાશે સેના

નવી દિલ્હી : ભારતે ગાઝા અને યુક્રેનમાં પોતાના શાંતિસેનાઓ મોકલવાની યુરોપિયન દેશોની માંગને ફગાવી દીધી છે. રક્ષામંત્રાલયના વરિષ્ઠ અધિકારી મુજબ ભારતીય શાંતિસેના ફક્ત સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા અધિકૃત મિશનમાં જ તહેનાત કરવામાં આવશે, તેના બહાર નહીં.

નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્રના સેન્ય યોગદાન આપતા દેશોના વડાઓના પરિષદમાં રક્ષામંત્રાલયના આંતરરાષ્ટ્રીય સહકાર વિભાગના સંયુક્ત સચિવ વિશ્વેશ નેગીએ સ્પષ્ટ કહ્યું કે, ભારત સરકારનો અભિગમ સ્પષ્ટ છે. શાંતિસેના ફક્ત યુએન, ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદ મારફતે જ તહેનાત થશે. તેની બહાર કોઈ શક્યતા નથી.

તાજેતરમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સહિત અનેક યુરોપીય નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં ભારતે મોટી ભૂમિકા ભજવવી જોઈએ તેવી માંગ કરી હતી. પરંતુ ભારતે યુરોપની આ માંગને નકારી કાઢતાં કહ્યું છે કે, તેની પ્રાથમિકતા સહકાર, સમાનતા અને તકનીકી આત્મનિર્ભરતા છે.

ભારતે અનેક દેશો સાથે મળીને યુએનના મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરંતુ યુરોપની ઈચ્છા હતી કે ભારત યુએન વિના જ ગાઝા અને યુક્રેનમાં સૈનિકો મોકલે. નેગીએ સ્પષ્ટ કર્યું કે, કોઈપણ આંતરરાષ્ટ્રીય પહેલમાં ભારતની ભૂમિકા તટસ્થતા અને નિષ્પક્ષતા પર આધારિત રહેશે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ સમાપ્ત કરવા માટે 20 મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્થિરતા દળ તહેનાત કરવાની વાત પણ છે. પરંતુ ભારતે હજી સુધી સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત યુએનના માધ્યમથી જ કોઈ પણ પ્રકારનું સૈન્ય સહયોગ આપશે.

સંબંધિત લેખો

Most Popular