સુરત, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં નકલી પોલીસ બાદ હવે નકલી ઈન્કમ ટેક્સ અધિકારી તોડ કરતા પકડાયો છે. શહેરના વરાછા વિસ્તારમાં એક રાજસ્થાની શખસ શુટબુટ અને ટાઈમાં સજ્જ થઈને ગોગલ્સ પહેરીને હાથમાં ફાઈલો સાથે એક વેપારીને ત્યા જાય છે. હિસાબ તપાસવાનો ડોળ કરીને તૃટીઓ કાઢીને રૂપિયા 4 લાખની માગણી કરી હતી. પણ નકલી આઈટી અધિકારીની ઓવર એક્ટિંગને લીધે વેપારીને શક પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આવતા જ નકલી અધિકારીએ પોલીસ સામે પણ રૂઆબ બતાવ્યો હતો. પણ પોલીસે લાલ આંખ કરતા નકલી અધિકારીની પોલ ખૂલ્લી પડી ગઈ હતી. પોલીસે નકલી આઈટી અધિકારીની ધરપકડ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વરાછામાં આવેલા ગ્લોબલ માર્કેટમાં રાજસ્થાનનો વિજય ચૌહાણ નામનો શખસ આંખ પર બ્રાન્ડેડ એવિએટર ગોગલ્સ, ગળામાં વ્યવસ્થિત ટાઈ, ઇસ્ત્રી ટાઈટ કોટ અને હાથમાં ઇન્કમટેક્સની ફાઈલો પકડીને તેણે એવી એન્ટ્રી પાડી કે જાણે સાચો જ ક્લાસ-વન ઓફિસર દરોડો પાડવા આવ્યો હોય, ગ્રેજ્યુએટ થયેલા આ ભેજાબાજે મારવાડી વેપારીઓની માનસિકતાનો લાભ લેવા માટે આ આખો ‘ગેટઅપ’ તૈયાર કર્યો હતો. દુકાનમાં ઘૂસીને આ નકલી આઈટી અધિકારીએ ફાઈલો પછાડી રૂઆબ દેખાડવાનું શરૂ કર્યું અને રૂ. 4 લાખની માગણી કરી. પરંતુ, તેની આ ઓવર-એક્ટિંગ જ તેને ભારે પડી ગઈ. વેપારીને તેની વાતચીતમાં ક્યાંક કચાશ લાગતા વરાછા પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે પણ આ નકલી અધિકારીએ પોલીસ સામે પણ રૂઆબ કર્યો હતો. અને સરકારી કામમાં દખલ ન કરવાની સુચના આપી હતી. પણ પોલીસની સામે તેની ફિલ્મી એક્ટિંગ લાંબો સમય ટકી શકી નહીં. વરાછા પોલીસે આ નકલી ઓફિસરની શાન ઠેકાણે લાવી તેની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે કે તેના આ ‘કોર્ટ-ટાઈ’ વાળા લુકમાં બીજા કેટલા વેપારીઓ છેતરાયા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિજયસિંહ માત્ર એક દિવસ પહેલા જ રાજસ્થાનના પાલી જિલ્લાથી સુરત આવ્યો હતો. તે કતારગામ વિસ્તારમાં ચાની લારી ચલાવતા પોતાના એક સંબંધીના ઘરે રોકાયો હતો. સુરત આવ્યાના 24 કલાકમાં જ તેણે આઇટી અધિકારીનો વેશ ધારણ કરી વેપારી પાસેથી 30 લાખની ખંડણી માંગવાનો પ્લાન અમલમાં મૂક્યો હતો.


