વડોદરા, 23 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં હાઈવે પરના વિવિધ ટોલાનાકા દ્વારા કરોડો રૂપિયાની આવક થાય છે. જ્યારે કેટલાક હાઈવે પર ટોલ આપવા છતાંયે વાહનચાલકોને યોગ્ય સુવિધા મળતી નથી. વડોદરા જિલ્લામાથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ એક્સપ્રેસ હાઈવેના બે ટોલ પ્લાઝા તેમજ વડોદરા પાસે વાસદ પાસેના ત્રીજા ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકોએ વર્ષ 2024-25ના નાણાંકીય વર્ષમાં કુલ 922.24 કરોડ રૂપિયાનો ટોલ ચૂકવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં ટોલની આ રકમમાં ત્રણેય ટોલ પ્લાઝા પર 70 ટકા જેટલો જંગી વધારો થયો છે. જો કે, ટોલની તોતિંગ આવક છતાયે વાહનચાલકોને સારા રસ્તાનો અહેસાસ ચોમાસા દરમિયાન થયો ન હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લામાં નેશનલ હાઈવે 48 પરનું ભરથાણા ટોલનાકુ રાજ્યનું સૌથી વધુ કમાણી કરી આપતું ટોલ નાકુ બન્યું છે. આ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી વર્ષ 2020-21માં 338.54 કરોડ રૂપિયા ટોલ પેટે ઉઘરાવ્યા હતા, જ્યારે વર્ષ 2024-25માં 472.50 કરોડ રૂપિયા જેટલી જંગી વસૂલાત કરી છે. તેવી જ રીતે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આસોજ પાસેના ટોલ પ્લાઝા પર પણ વાહનચાલકો દ્વારા ટોલની રકમ ચૂકવવામાં સતત વૃદ્ધી થતી જાય છે. આ ટોલ પ્લાઝા પર વર્ષ 2020-21માં 102 કરોડ રૂપિયાની ઊઘરાણી સામે વર્ષ 2024-25માં 164.53 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.
આ ઉપરાંત વાસદ પાસેના ટોલ પ્લાઝાની આવકમાં પણ દર વર્ષે સતત વધારો થતો હોય છે. આ ટોલ પ્લાઝા પર વર્ષ 2020-21માં 124.51 કરોડ રૂપિયા ટોલ પેટે વસૂલાયા હતાં, જેમાં વધારો થતા વર્ષ 2024-25માં 285.21 કરોડ રૂપિયા રકમ થઈ છે. ટોલની આવકમાં સતત વધારા પાછળના કારણોમાં સૂત્રોએ જણાવ્યું હતું કે દર વર્ષે ટોલની રકમમાં થતો વધારો ઉપરાંત વાહનો પસાર થવાની સંખ્યા પણ આ ત્રણેય હાઇવે પર વધતી હોવાથી ટોલની રકમમાં વધારો થઈ રહ્યો છે.
વડોદરા જિલ્લામાં બે ટોલ પ્લાઝા તેમજ વાસદ પાસેના એક ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી દર વર્ષે કરોડો રૂપિયાની રકમ ટોલ પેટે વસૂલવામાં આવતી હોવા છતાં ચોમાસા દરમિયાન વાહન ચાલકોને સતત હેરાન પરેશાન થવું પડયું હતું.નેશનલ હાઈવે 48 પર અનેક ખાડાઓના કારણે વાહન ચાલકોને સમયસર જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકાયું ન હતું એટલું જ નહી પરંતુ વાહનોને પણ નુકસાન થયું હતું.


