1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી બિલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના આજે વીજ કનેક્શનો કપાશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી બિલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના આજે વીજ કનેક્શનો કપાશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી બિલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના આજે વીજ કનેક્શનો કપાશે

0
Social Share

રાજકોટ, 25 ફેબ્રુઆરી 2026:  પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)  દ્વારા આજે 25મી ફેબ્રુઆરીએ ડીસકનેક્શન ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં બીલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના વીજ કનેકશનો કાપવા માટે વહેલી સવારથી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 28.68 લાખ ગ્રાહકોએ રૂપિયા 652.99 કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. આજે વહેલી સવારથી બાકીદારોના વીજ કનેક્શન કાપવા માટે પીજીવીસીએલ દ્વારા 2700 ટીમો બનાવવામાં આવી છે.

પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ ઘણાબધા વીજ ગ્રાહકો બાકી વીજ બિલો ભરતા જ નથી.  રાજકોટ શહેર-જિલ્લાના સૌથી વધુ 5.57 લાખ વીજ ગ્રાહકો છે. જેમની પાસેથી 130.51 કરોડની વસૂલાત બાકી છે, જ્યારે જામનગરમાં રૂપિયા 88.71 કરોડ તો સુરેન્દ્રનગરમાં રૂપિયા 76.64 કરોડ વસૂલવાના બાકી છે. આજે ડીસ-કનેક્શન ડે મનાવીને બાકીદારોના વીજ કનેક્શનો કાપવા મેગા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ઘણા વીજ ગ્રાહકો એવો છે કે, જ્યારે વીજ કનેક્શન કાપવા માટે કર્મચારીઓ જાય ત્યારે જ બાકી બિલના નાણા ભરતા હોય છે. દર વખતે આવુ થતું હોય છે. એટલે આ વખતે વીજ કનેક્શન કાપીને પાઠ ભણાવાશે.

પીજીવીસીએલનાના ફાઇનાન્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં રૂપિયા 650 કરોડ જેટલું લેણું બાકી છે. જેમાં 28.68 લાખ વીજ ગ્રાહકો છે. જેમનું 2થી 6 માસ સુધીનું વીજ બિલ બાકી છે. માર્ચ માસ નજીક આવતા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. નગરપાલિકાઓનું ઘણા સમયથી વીજ બિલ બાકી છે, પરંતુ તે આવશ્યક સેવાઓમાં આવતી હોવાથી આ ડ્રાઈવમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડીના વીજ ગ્રાહકો કે જેઓએ વીજ બિલ ભર્યા નથી તેમનું વીજ કનેક્શન કાપવામાં આવશે. સામાન્ય રીતે વીજ બિલ ન ભર્યું હોય ત્યાં પીજીવીસીએલની ટીમ જ્યારે વીજ કનેક્શન કાપવા માટે જાય ત્યારે સમજાવટ બાદ ગ્રાહકો દ્વારા નાણાં ભરપાઈ કરવામાં આવે છે. જોકે તેનાથી ગ્રાહકોને એક ટેવ પડી ગઈ છે કે અમે જ્યારે તેમની પાસે વીજ બિલના નાણાં માંગવા જઈએ ત્યારે જ ભરે છે, જેથી તેમાં સુધારો આવે તે માટે ડીસકનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code