ભાવનગર, 30 માર્ચ 2026: 10th convocation ceremony of M K Bhavnagar Uni, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા 10માં પદવીદાન સમારોહમાં અલગ-અલગ ફેકલ્ટીના 12 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટમંત્રી જીતુ વાઘાણી, કુલપતિ ડો, ભરત રામાનુજ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહારાણી સંયુક્તાદેવી તેમજ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં 10માં પદવીદાન સમારોહનું યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અટલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન કરાયુ હતું. પદવીદાન સમારોહમાં રાજ્યપાલ તથા કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 12,704 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં આર્ટસમાં 4,638, કોમર્સમાં 2,778, સાયન્સમાં 2,149, રૂરલ સ્ટડીઝમાં 1,434, મેનેજમેન્ટમાં 496, એજ્યુકેશનમાં 454 અને કાયદાશાસ્ત્રમાં 138 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો સાથે મેડિકલ, હોમિયોપેથી, ડેન્ટલ અને નર્સિંગ સહિત આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી.
આ સમારોહમાં કુલ 86 ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 52 વિદ્યાર્થિનીઓ અને 34 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 42 વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં 25 બહેનો અને 17 ભાઈઓનો સમાવેશ થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે 22 સંશોધકોને પણ આ પ્રસંગે Ph.D. ની પદવી એનાયત કરવામાં આવી હતી.


