અમદાવાદ, 12 એપ્રિલ 2026: Senior citizen digitally arrested શહેરમાં સાયબર ક્રાઈમ ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.43 કરોડનો ફ્રોડ કરાયો છે. શહેરના ગોતામાં રહેતા 75 વર્ષના સિનિયર સિટીઝન સીમકાર્ડ કૌભાંડ અને મની લોન્ડરીંગના કેસમાં તપાસના નામે ડિજિટલ એરેસ્ટ કરીને 1.43 કરોડની કિંમતના શેર વેચાણ કરાવીને સાયબર માફિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. સિનિયર સિટીઝનને બનાવટી એરેસ્ટ મેમો તેમજ અન્ય ડોક્યમેન્ટ મોકલીને ડરાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ગોતામાં આવેલા સત્યમેવ વિસ્ટા એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષીય ઘનશ્યામભાઇ ઇમાનદારને ગત 2જી એપ્રિલના રોજ ટેલીકોમ રેગ્યુલર ઓથોરીટીના નામે અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને એક નંબર ઇસ્યુ કરાયો છે. જેના દ્વારા કોલ કરીને મહિલાઓના વાંધાજનક ફોટો વિડીયો મોકલવામાં આવતા ગુનો નોંધાયો છે. જો કે ઘનશ્યામભાઇએ આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે તેમને એવુ પણ કહેવામાં આવ્યું હતું કે નરેશ ગોયલના મની લોન્ડરીંગ કેસમાં તેમના નામે બોગસ એકાઉન્ટ ખોલાવાયું છે. જેમાં બે કરોડના ગેરકાયદે વ્યવહાર થયા છે. જેથી કેસની તપાસ કરવા માટે વિડીયો કોલથી ડિજિટલ એરેસ્ટ કરાશે. ત્યારબાદ તેમને વિડીયો કોલ કરીને ડરાવીને તેમના તમામ રોકાણ અંગે વિગતો માંગી હતી. ઘનશ્યામભાઇએ તેમના તેમજ તેમની પત્નીના નામે છેલ્લાં 45 વર્ષથી શેરબજારમાં નાણાં રોક્યા હતા. જેની હાલની વેલ્યુ આશરે 1.43 કરોડ થતી હતી. તે તમામ શેર વેચીને નાણાં રિઝર્વ બેંકના વેરિફિકેશન માટે મોકલવાનું કહીને એક બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો. જેથી ઘનશ્યામભાઇએ શેર વેચીને 1.43 કરોડ રૂપિયા આરટીજીએસ કરી આપ્યા હતા. જે નાણાં મળ્યાનો બનાવટી લેટર આપ્યો હતો અને નાણાં 72 કલાકમાં પરત જમા થઇ જશે તેમ કહેવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ ફોન પર જવાબ ન મળતા ઘનશ્યામભાઇને શંકા જતા તેમના સગાને જાણ કરી હતી. ત્યારે તેમને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો.
આ કેસમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે બેંકમાંથી અજાણ્યા એકાઉન્ટમાંથી કોઇ સિનિયર સિટીઝન અજાણ્યા બેંક એકાઉન્ટમાં લાખો કરોડો રૂપિયા આરટીજીએસથી ટન્સફર કરતા સમયે બેંકના અધિકારીઓને શંકા ન જાય. તે માટે હવે સાયબર ફ્રોડરે સિનિયર સિટીઝનને સુચના આપી હતી કે જો બેંકના અધિકારીઓ પુછે તો કહેજો ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્રને મોકલવાના છે.
સાયબર ક્રાઇમ સેલના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું કે બેંકમાં અમે સુચના આપી છે કે કોઇ પણ શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં 10 લાખ કે તેથી વધુની રકમ આરટીજીએસ કરવા આવે ત્યારે ચોક્કસ પુછપરછ કરવી અને રીસીવ કરનારની તમામ વિગતો મેળવવી તેમજ સહેજ પણ શંકા ઉપજે તો સાયબર ક્રાઇમને પણ જાણ કરવી. ઘનશ્યામભાઇના કેસમાં એચડીએફસી બેંકના મેનેજરની બેદરકારી છે. જો તેમના સ્ટાફ સાવચેતી દાખવી હોત તો છેતરપિંડી અટકી શકે તેમ હતી. અગાઉના છ કિસ્સામાં બેંકના અધિકારીઓની સતર્કતાના કારણે સાડા ચાર કરોડ જેટલી રકમની છેતરપિંડી અટકી છે.


