ભૂજ, 13 એપ્રિલ 2026: Biker couple dies after car hits bike કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ રાપર નજીક સર્જાયો હતો. રાપરના પ્રાગપર ગામ પાસે એક અલ્ટો કારે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાપરના પ્રાગપર ગામ નજીક હાઈવે પર બપોરના ટાણે GJ 08 AE 5901 નંબરની સફેદ અલ્ટો કારે હોન્ડા સાઇન બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ કાર અને બાઈક બેઉના ફુરચાં ઉડી ગયાં હતા. ગંભીર ઈજાને લીધે બાઈકસવાર દંપતીનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને મૃતક દંપત્તીના ડેડબોડીને પોસ્ટમાર્ટમ માટે મોકલી આવીને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીની ઓળખ પરસોત્તમ મસૂરીયા અને નવલબેન મસૂરીયા તરીકે થઈ છે. રાપરના એકતાનગરમાં રહેતા પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરીયા અને તેમના પત્ની નવલબેન સંબંધીને મળવા બાઈક પર આડેસર તરફ જઈ રહ્યાં હતા. બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


