અમદાવાદ, 13 એપ્રિલ 2026: Temperature reaches 42 degrees રાજ્યમાં પલટાયેલા વાતાવરણ બાદ હવે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આજે રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોચી ગયો છે. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતભરમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. કચ્છમાં હિટવેવની ચેતવણી પણ અપાઈ છે. 42 ડીગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજ્યના દરિયા કિનારાના શહેરી વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ફરી એક વખત રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ છે. તેમજ અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે.
હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા છે. જેથી યલો એલર્ટ સાથે હિટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અન્ય શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.


