રાજકોટ, 12 મે 2026 : Heat causes increase in diarrhea, vomiting and stomach patients સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમીને કારણે રોગચાળો વકર્યો છે. રાજકોટ સહિત શહેરોમાં ઝાડા-ઊલટી, તાવ અને ખાસ તો પેટમાં દૂઃખાવાના દર્દીઓમાં વધારો થયો છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયાના કેસ કેસ ઉપરાંત તાવના 758 અને ઝાડા-ઉલટીના 384 કેસ નોંધાયા છે. તેમજ ગેસ્ટ્રોના કેસમાં ખુબ વધારો નોંધાયો છે. પેટમાં દુખાવો, ચૂક આવવી, અને અપચાની અનેક ફરિયાદ સાથે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં માર્ચ મહિનાથી જ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને મેં મહિનાની શરૂઆત થતા ગરમીનો પારો 42°C પાર પહોંચી ગયો હતો. છેલ્લા એક સપ્તાહથી તો કાળઝાળ ગરમીને લીધે લોકોના આરોગ્ય પર અસર પડી છે. અસહ્ય તાપમાનને લીધે ડિહાઈડ્રેશન અને લૂ લાગવા ઉપરાંત પેટમાં દુખાવાની તેમજ ગેસ્ટ્રો અંગેની ફરિયાદનું પ્રમાણ વધ્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા બે-ત્રણ મહિનામાં 3059 દર્દીઓને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
તબીબોના કહેવા મુજબ કાળઝાળ ગરમી અને લગ્નસરાની સીઝન પણ શરૂ થઇ ચુકી છે. લોકો ખાવા-પીવામાં કાળજી રાખતા નથી, જેના કારણે ગેસ્ટ્રોના કેસમાં ખુબ વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનાની અંદર પેટમાં દુખાવો, ચૂક આવવી, ઊલ્ટી-ઉબકા થવા, ઝાડા થવા અને અપચાની અનેક ફરિયાદ સાથે દર્દીઓ આવી રહ્યા છે. ગરમીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બપોરમાં સમયે બિનજરૂરી લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઘરેથી નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખવી જોઈએ. દર અડધી કલાકે પાણીનો એક ગ્લાસ જરૂર પીવો જોઈએ. બહાર કોઈ ઠંડુ પાણી પીવો તો તે મિનરલ વોટર છે કે કેમ? તેની ચકાસણી કરીને જ પીવું જોઈએ. કોઈ ઠંડા પીણાં પીવો તો તેમાં પણ બરફ મિનરલ વોટરમાંથી બનેલો હોય તેવી જગ્યાએ જ પીવું જોઈએ. હાઈજેનિક છે કે નહિ? તે ચકાસવું ખુબ જરૂરી છે. આ ચકાસી બાદમાં જ કોઈપણ ઠંડા-પીણાં કે ફાસ્ટફૂડ આરોગવું જોઈએ.


