બનાસકાંઠામાં ધો. 11માં 29940 બેઠક સામે 38913 વિદ્યાર્થીઓ, પ્રવેશ માટે સમસ્યા સર્જાશે
પાલનપુર, 25 મે, 2026 : 38913 students against 29940 seats in Std. 11, બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10માં કૂલ 38913 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતાં ધોરણ 11માં પ્રવેશ મેળવશે. પણ જિલ્લામાં ધોરણ-11માં બન્ને પ્રવાહમાં કૂલ 29,940 બેઠકો ઉપલબ્ધ છે. આથી ધોરણ 11માં પ્રવેશ માટે સમસ્યા સર્જાશે. જિલ્લામાં ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓની સરખામણીએ ધોરણ-11ની બેઠકોની સંખ્યા ઘણી ઓછી હોવાના કારણે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાશે. જોકે આઈટીઆઈ અને ડિપ્લોમાં કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, તે જોવું રહ્યું.
જિલ્લાના શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-11ના પ્રવેશ માટે કુલ 307 શાળાઓ કાર્યરત છે. જેમાં 104 સરકારી, 175 ગ્રાન્ટેડ અને 28 ટ્રાયબલ શાળાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કુલ 499 વર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સરકારી શાળાના 115 વર્ગો, ગ્રાન્ટેડ શાળાના 336 વર્ગો અને ટ્રાયબલ શાળાના 48 વર્ગો ઉપલબ્ધ છે. આ તમામ શાળાઓ અને વર્ગોની થઈને જિલ્લામાં કુલ 29,940 બેઠકો મંજૂર થયેલી છે. જ્યારે ધોરણ 10માં ઉતિર્ણ વિદ્યાર્થીઓની સંખ્યા 38913 જેટલી છે. એટલે વર્ગમાં વધારો કરવો પડશે,
જિલ્લામાં ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ ITI માં પણ પ્રવેશ લેતા હોય છે. વર્ષ 2024માં 4,376 અને વર્ષ 2025માં 4,556 ફોર્મ ભરાયા હતા, જ્યારે ચાલુ વર્ષે આ આંકડો 5 હજાર પાર થવાની શક્યતા છે. ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર અને મેકેનિક ડીઝલ જેવા ટેક્નિકલ કોર્સ ઓછાં ખર્ચે અને ટૂંકા સમયમાં પૂર્ણ થતા હોવાથી વિદ્યાર્થીઓ ઝડપથી નોકરી કે સ્વરોજગાર તરફ આગળ વધી આત્મનિર્ભર બની રહ્યા છે.


