રાજકોટ, 5 ઓગસ્ટ 2026 : Two children drown in a water-filled pit શહેર નજીક આવેલા લોઠડા ગામે ગ્રીનઝોન ઇન્ડસ્ટ્રી’ પાસે વરસાદી પાણીથી ભરેલા એક ખાડામાં ડૂબી જતા શ્રમિક પરિવારના બે બાળકોના મોત નિપજતા ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકની ટીમ દોડી આવી હતી. અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેર નજીક આવેલા લોઠડા ગામે રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના ચંદ્રરોશન ગૌતમનો 5 વર્ષીય પુત્ર હિતેશ અને ઓમકાર નિશાદની 5 વર્ષીય પુત્રી મનિષા અન્ય ત્રણ બાળકો સાથે ઘર નજીક રમી રહ્યા હતા. રમતાં રમતાં બાળકો નજીકમાં આવેલી ‘જે કે ગ્રીનઝોન ઇન્ડસ્ટ્રી’ પાસે વરસાદી પાણીથી ભરેલા એક ખાડા પાસે પહોંચ્યા હતા. બાળકો પાણીમાં છબછબીયા કરી રહ્યા હતા ત્યારે અચાનક હિતેશ અને મનિષા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બંને બાળકોને પાણીમાં ડૂબતા જોઈ સાથે રમી રહેલી પાડોશની એક બાળકીએ બુમાબુમ કરીને તેમના પરિવારજનોને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જો કે, પાણીમાં ડૂબી જવાથી બંને બાળકો બેભાન થઈ ગયા હતા. તેમને ત્વરિત 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ બંને માસૂમોને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
માસૂમ બાળકોના મોતથી મધ્ય પ્રદેશના શ્રમિક પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે. ઘટના અંગે જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


