Homeગુજરાતીગુજરાતનકલી દારૂકાંડમાં ગૃહમંત્રીના રાજીનામાંની માગ સાથે કોંગ્રેસના રાજ્યભરમાં દેખાવો

નકલી દારૂકાંડમાં ગૃહમંત્રીના રાજીનામાંની માગ સાથે કોંગ્રેસના રાજ્યભરમાં દેખાવો

અમદાવાદ, 22 ઓગસ્ટ, 2026 : Congress protests demanding the Home Minister’s resignation over the spurious liquor scandal ભાવનગર જિલ્લામાં નકલી દારૂકાંડથી 9 લોકોના કરૂણ મોત અને 45થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંયે પોલીસની હપતાખોરીને લીધે દારૂનો કારોબાર ચાલી રહ્યો છે. અને બેફામ ચાલતા નશાના કારોબાર સામે વિપક્ષ કોંગ્રેસે દ્વારા રાજ્યવ્યાપી દેખાવો અને ધરણા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા શુક્રવારે જામનગર, મહેસાણા, જૂનાગઢ, પાટણ, અમદાવાદ, વડોદરા, ભાવનગર અને વાવ-થરાદ સહિતના શહેરોમાં ઉગ્ર ધરણાં, સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન યોજીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી છે.  કોંગ્રેસના વિરોધી કાર્યક્રમમાં પોલીસે અનેક સ્થળોએ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

ગુજરાતની ભાજપ સરકારની દારૂબંધીમાં નિષ્ફળતા સામે કોંગ્રસ દ્વારા રાજ્યભરમાં દેખાવો અને ધરણા યોજવામાં આવ્યા હતા. જામનગરના લાલ બંગલા પરિસરમાં આયોજિત ધરણાં પ્રદર્શન દરમિયાન પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા વિક્રમ માડમે સરકાર અને પોલીસ પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહમંત્રી, ડીજીપીથી લઈને તમામ જિલ્લાના SPને ઓપન ચેલેન્જ ફેંકતા જણાવ્યું હતું કે, જેમનામાં શક્તિ હોય તે કહી બતાવે કે તેમના જિલ્લામાં દારૂ બનતો, વેચાતો કે પીવાતો નથી. તેમણે દાવો કર્યો હતો કે, આ બનાવમાં 900 લોકોએ દારૂ લીધો હોવાની માહિતી છે અને ગાંધીના ગુજરાતમાં ગલીએ-ગલીએ ખુલ્લેઆમ હોમ ડિલિવરી થઈ રહી છે.

કોંગ્રેસ દ્વારા જામનગર, મહેસાણા, જૂનાગઢ, પાટણ, અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિત શહેરોમાં ઘરણા અને પ્રદર્શન યોજીને સરકાર સામે ઉગ્ર વિરોધ કરાયો હતો.  ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માગ સાથે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં એક સુવ્યવસ્થિત ષડયંત્ર હેઠળ મંદિરો, કલેક્ટર કચેરીઓ અને એસપી બંગલા જેવા સંવેદનશીલ વિસ્તારો નજીક પણ ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.

વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોષીના નેતૃત્વમાં ગાંધીનગર ગૃહ ખાતે વિશાળ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ બેનરો-પ્લેકાર્ડ્સ સાથે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા; આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ દારૂબંધીના કડક અમલમાં ગૃહ વિભાગની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી.

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા લાલ દરવાજા સ્થિત સરદાર બાગ ખાતે આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જ્યાં કાર્યકરોએ “બુટલેગર જનતા પાર્ટી” જેવા લખાણવાળા બેનરો-પ્લેકાર્ડ્સ સાથે રસ્તો રોકીને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રદર્શનમાં રાજ્યમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી ખુલ્લેઆમ ઘૂસતા નશાના કારોબાર મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની તેમજ માત્ર નાના કર્મચારીઓને બદલે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં ભરી સમગ્ર મામલે SIT દ્વારા તપાસ કરાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.  મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટાઉનહોલ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતા અમિત પટેલે આક્ષેપ કર્યો હતો કે, ગાંધી અને સરદારની ભૂમિ પર દારૂ, ડ્રગ્સ અને ચરસનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, જેનાથી યુવાધન અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular