Homeગુજરાતીગુજરાતગુજરાતી ફિલ્મોને થિયેટર (સ્ક્રીન) મળે તે માટે નિયમો બનાવવા CMને રજુઆત

ગુજરાતી ફિલ્મોને થિયેટર (સ્ક્રીન) મળે તે માટે નિયમો બનાવવા CMને રજુઆત

ગાંધીનગર, 2 સપ્ટેમ્બર, 2026 : Proposal to make rules to ensure Gujarati films get theaters ગુજરાતી ફિલ્મોને દર્શકો મળે છે, પણ થિયેટરો મળતા નથી. મોટાભાગના થિયેટર સંચાલકો ગુજરાતી ફિલ્મોને  મહત્વ આપતા નથી. એટલે ગુજરાતી ભાષાની ફિલ્મોને મહત્વ મળે તે માટે મહારાષ્ટ્ર જેવી પોલીસી અને નિયમો બનાવવાની માગ સાથે બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ મેકર દીપક તિજોરીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં યોગ્ય સ્ક્રીન ન મળતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ મેકર દીપક તિજોરીએ એવી રજુઆત કરી હતી કે,  ‘ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે’ તેવી વ્યવસ્થા થવી જોઇએ, જેથી ગુજરાતી ફિલ્મો દર્શકો સુધી પહોંચી શકે અને નિર્માતાઓને પોતાની ફિલ્મ રજૂ કરવાની યોગ્ય તક મળી શકે. ગુજરાતી ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતો હોવા છતાં ઘણી વખત ફિલ્મોને પૂરતી સ્ક્રીન મળતી નથી અથવા હિન્દી તથા અન્ય ભાષાની ફિલ્મો આવતાં ગુજરાતી ફિલ્મોને થિયેટરમાંથી હટાવી દેવામાં આવે છે. જેના કારણે ગુજરાતી ફિલ્મોના નિર્માતા, કલાકારો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય છે.

મુખ્યમંત્રીને આગ્રહભરી વિનંતી સાથે એવી રજુઆત કરવામાં આવી હતી કે, ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્થાનિક ભાષાની ફિલ્મો માટે સ્ક્રીન ફાળવણી અંગે નિયમ બનાવવા જોઈએ.  થિયેટર માલિકોને પણ આર્થિક નુકસાન ન થાય અને ગુજરાતી ફિલ્મોને પણ યોગ્ય પ્રમાણમાં સ્ક્રીન મળી રહે એવા નિયમો બનાવવા જોઈએ.

દીપક તિજોરીએ ફિલ્મોના કન્ટેન્ટ અને પ્રોડક્શન સ્ટાન્ડર્ડને વધુ ઊંચુ લાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. ફિલ્મોમાં વધુ બજેટનું રોકાણ થાય, મોટા પાયે ફિલ્મો બને અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની ઓળખ વધુ મજબૂત બને તે માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાતી કલાકારો, પ્રોડ્યુસર, દિગ્દર્શકો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી યોગ્ય સહકાર મળે તો વધુ સારી અને મોટા બજેટની ફિલ્મો બની શકે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મોને ગુજરાતમાં જ યોગ્ય સન્માન, દર્શકો સુધી પહોંચવા માટે પૂરતી સ્ક્રીન અને પ્રોત્સાહન મળે તે માટે નીતિ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રી સમક્ષ પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular