Homeગુજરાતીગુજરાતવડોદરા જિલ્લામાં રૂપિયા 1297 કરોડના વિકાસ કામોનું કરાયુ ખાતમહુર્ત અને લોકાર્પણ

વડોદરા જિલ્લામાં રૂપિયા 1297 કરોડના વિકાસ કામોનું કરાયુ ખાતમહુર્ત અને લોકાર્પણ

વડોદરા, 21 સપ્ટેમ્બર, 2026 : CM laid the foundation stone and inaugurated development works   જિલ્લાના વરણામા સ્થિત ત્રિમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૧૨૯૭ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ખરા ખરા અર્થમાં સામાજિક સમરસતા સ્થપાઇ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સામાજિક સમરસતા અને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને સતત પ્રોત્સાહન મળ્યું છે. વડોદરામાં અંદાજે રૂ. ૨૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું લોકાર્પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પવિત્ર ભૂમિ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિ જોડાયેલી છે, ત્યારે અહીં તેમની ૧૨ ફૂટ ઊંચી પ્રતિમા સાથે મ્યુઝિયમ, ડિજિટલ શો, લાઇબ્રેરી અને ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને આપેલી રૂ. ૧૨૯૭ કરોડના વિકાસકામોની ભેટમાં ગંભીરા બ્રિજ, કલ્યાણનગર સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકર મેમોરિયલનો પણ સમાવેશ થાય છે. ખાતમુહૂર્ત અને લોકાર્પણના આ ઉપક્રમમાં મંત્રી  પદ્યુમ્નભાઇ વાજા અને ડો. મનિષાબેન વકીલ પણ જોડાયા હતા.

પટેલે ઉમેર્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમાજમાંથી કુરિવાજો અને અસમાનતા દૂર કરી સામાજિક સમરસતા સ્થાપિત કરવા માટે દૃઢ સંકલ્પ સાથે કાર્ય કર્યું હતું. સંકલ્પભૂમિ સ્મારક આવનારી પેઢીઓ માટે સામાજિક સમાનતા, એકતા અને સમરસતાની પ્રેરણાભૂમિ બનશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનએ દેશના દરેક નાગરિકને પોતાના પરિવારનો હિસ્સો માનીને અંતિમ પંક્તિના માનવી સુધી વિકાસના લાભ પહોંચાડવાનો અભિગમ અપનાવ્યો છે. સંત શિરોમણી સંત રવિદાસજીની ૬૫૦મી જન્મજયંતીની ઉજવણીને સામાજિક એકતા અને સમરસતાના મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આ અંતર્ગત રૂ. ૨૩૧ કરોડના વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસની પ્રક્રિયામાં દરેક ગામ, દરેક પરિવાર અને દરેક નાગરિકને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સરકારનો સતત પ્રયાસ છે. વડોદરા જિલ્લામાં પણ ગંભીરા બ્રિજ સહિત આવાસ, રસ્તા, ડ્રેનેજ અને પાણી પુરવઠા સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૫૯૩ આવાસો સહિતના વિવિધ પ્રકલ્પો દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો સરકારનો સંકલ્પ છે.

મુખ્યમંત્રીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સૌની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ વિકાસની પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે સરકાર સતત કાર્યરત છે. વડાપ્રધાનના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને જનભાગીદારી દ્વારા વધુ મજબૂત બનાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો. અંતમાં મુખ્યમંત્રીએ ત્રિમંદિર ખાતે સમરસતા અને એકતાના સંદેશને આત્મસાત કરીને સૌને સાથે મળીને આગળ વધવા આહ્વાન કર્યું હતું. દરેક માનવીમાં એક જ પરમાત્માનો અંશ છે તેવી ભાવનાને જીવનમાં ઉતારી સામાજિક એકતા અને ભાઈચારાને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં તેમણે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular