ગાંધીનગર, 21 સપ્ટેમ્બર, 2026 : Traffic drive against police logo and black film on private vehicles ગુજરાતમાં પોલીસના કર્મચારીઓ પોતાના વાહનો પર પોલીસ લખેલા સ્ટીકર કે કારના ડેસ્ક પર બોર્ડ મુકતા હોય છે. ઉપરાંત કારના કાચ પર બ્લેકફિલ્મ લગાવેલી હોય છે. આરટીઓ અને ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોય રાજ્યભરમાં આજથી પોલીસનો લોગો અને બ્લેકફિલ્મ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. આ અંગે લૉ એન્ડ ઓર્ડર IGP મકરંદ ચૌહાણ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
રાજ્યના લો એન્ડ ઓર્ડર, પોલીસ મહાનિર્દેશક (IGP) મકરંદ ચૌહાણે ગાંધીનગરના પ્રવેશદ્વારથી પાટનગરમાં જ ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ને કાળા કાચ-નંબર પ્લેટ વિનાની કાર સાથે પકડ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા આજે 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર એટલે કે સતત 15 દિવસ સુધી રાજ્યભરમાં ખાખીધારીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની પ્રાથમિક જવાબદારી પોલીસ વિભાગની છે, પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક કે નિયમભંગ કરનાર બને ત્યારે પ્રજામાં પોલીસની છબી ખરડાય છે. તાજેતરમાં પાટનગર ગાંધીનગરમાં બનેલી એક ગંભીર ઘટના બાદ હવે સમગ્ર રાજ્યના પોલીસ તંત્રને ટ્રાફિક નિયમોને લઈ જગાડવાની ફરજ પડી છે.
ગાંધીનગરમાં ગઈ તા. 11 સપ્ટેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થા વિભાગના IGP દ્વારા ગાંધીનગરમાં પ્રવેશતી એક કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ કાર ગાંધીનગરમાં જ ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટરની હતી.પોલીસ વિભાગના પોતાના જ અધિકારી દ્વારા ટ્રાફિક નિયમોનો આ પ્રકારે ખુલ્લેઆમ અનાદર થતાં વડી કચેરીએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતાં લૉ એન્ડ ઓર્ડર IGP મકરંદ ચૌહાણ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
રાજ્યભરમાં આજે 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી 15 દિવસની ખાસ ટ્રાફિક ઝુંબેશ યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ સામાન્ય જનતા પર રોફ જમાવતા પહેલા પોલીસ પોતે નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનો છે. આ નિયમ હેઠળ હવે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોમાંથી બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ “P”, “Police” કે અન્ય અનધિકૃત લોગો તાત્કાલિક ધોરણે દૂર કરવાના આદેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે બ્લેક ફિલ્મનું વેચાણ કરતા ગેરેજ, સર્વિસ સેન્ટર અને કાર એક્સેસરીઝની દુકાનો પર પણ દરોડા પાડીને આવી સામગ્રી જપ્ત કરવામાં આવશે.
પોલીસ સ્ટેશનો, પોલીસ લાઇન અને તમામ સરકારી કચેરીઓમાં પણ આ ડ્રાઇવ હેઠળ તપાસ હાથ ધરાશે. 15 દિવસની આ ખાસ ઝુંબેશ પૂર્ણ થયા બાદ પણ જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાશે તો તેમની સામે ટ્રાફિક કાયદા હેઠળ કાર્યવાહી ઉપરાંત ગેરવર્તણૂક અને શિસ્તભંગ બદલ દાખલારૂપ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.


