સુરત, 22 સપ્ટેમ્બર, 2026 : Gang snatching mobile phones on bike caught શહેરના રાહદારીઓ અને વાહનચાલકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને પલવારમાં પલાયન થઈ જતી ગેન્ગને શહેરની સિંગણપોર પોલીસે દબોચી લીધી છે. રાહદારીઓ કે કોઈ વાહનચાલકો રોડ પર ઊભા રહીને માબાઈલફોન પર વાત કરતા હોય ત્યારે મોબાઈલ ફોન આંચકીને સ્પોર્ટ્સ બાઈક પર આરોપીઓ પલાયન થઈ જતા હતા. પોલીસે નંબર પ્લેટ વિનાની હાઇસ્પીડ સ્પોર્ટ્સ બાઇક પર સ્નેચિંગ આચરતા બે રીઢા આરોપીઓ તેમજ ચોરીના મોબાઈલ ખરીદી તેના સ્પેરપાર્ટ્સ વેચતા સ્થાનિક દુકાનદારને પણ પોલીસે દબોચી લીધો છે. પોલીસે ત્રિપુટી પાસેથી કુલ 58 મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ બાઇક પર આવી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ સક્રિય થઈ હતી. અગાઉ બનેલા બનાવોમાં આ બાઇક સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં સમગ્ર શહેરની પોલીસ આ ગેંગની શોધમાં હતી. દરમિયાન સિંગણપોર પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ બાઇક વિજયરાજ સર્કલ પાસેથી પસાર થવાની છે. પોલીસે તાત્કાલિક ફિલ્ડિંગ ગોઠવી નંબર પ્લેટ વિનાની સ્પોર્ટ્સ બાઇક સાથે રોહિત દિનેશ યાદવ અને સત્યમ રાજકુમાર ઝાને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. પોલીસે રોહિત અને સત્યમ પાસેથી તાત્કાલિક 3 મોબાઈલ ફોન અને રૂ. 2 લાખની કિંમતની સ્પોર્ટ્સ બાઇક કબજે કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. આરોપીઓએ પોપટની જેમ કબૂલાત કરી હતી કે તેઓ પોતાના ત્રીજા સાગરીત અર્જુન યાદવ (રહે. જોળવા, પલસાણા) સાથે મળીને છેલ્લા માત્ર દોઢ મહિનામાં 58 જેટલા મોબાઈલ ફોન સ્નેચ કરી ચૂક્યા છે.
પોલીસે લાલ આંખ કરતા ઝડપાયેલા બંને ગઠિયાઓએ આંચકેલા તમામ મોબાઈલ ફોન સિંગણપોર સ્થિત નવનાથના ખાડા વિસ્તારમાં આવેલી મહાદેવ મોબાઈલના દુકાનદાર રમેશ ભગારામ પ્રજાપતિ (રહે. જમનાપાર્ક, કોઝવે રોડ)ને સસ્તા ભાવે વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી. માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દુકાનદાર રમેશ પ્રજાપતિની અટકાયત કરી તેની પાસેથી વધુ 55 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.
પોલીસ પૂછપરછમાં દુકાનદાર રમેશની અત્યંત ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સામાન્ય રીતે ચોરીનો આખો મોબાઈલ વેચવામાં આવે તો પોલીસ IMEI નંબર ટ્રેસ કરીને ગણતરીના દિવસોમાં પહોંચી જતી હોય છે. આ જોખમથી બચવા દુકાનદાર રમેશ ચોરીના ફોન આખેઆખા વેચતો નહોતો. તે આ ફોન ખોલીને ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને આઈસી જેવા કિંમતી સ્પેરપાર્ટ્સ કાઢી લેતો અને પોતાની દુકાને રિપેરિંગ માટે આવતા અન્ય ગ્રાહકોના ફોનમાં તે લગાવી રોકડી કરી લેતો હતો. હાલ પોલીસે ફરાર સાગરીત અર્જુન યાદવને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


