Homeગુજરાતીગુજરાતઅંબાજીમાં મેળાના 7 દિવસમાં 43 લાખ ભક્તોએ કર્યા દર્શન, 2.16 કરોડનું મળ્યું...

અંબાજીમાં મેળાના 7 દિવસમાં 43 લાખ ભક્તોએ કર્યા દર્શન, 2.16 કરોડનું મળ્યું દાન

અંબાજી, 28 સપ્ટેમ્બર, 2026 :  43 lakh devotees visited Ambaji in 7 days of fair  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં 7 દિવસીય ભાદરવી પૂનમનો લોકમેળો રંગેચંગે પૂર્ણ થયો છે. લોકમેળાના 7 દિવસ દરમિયાન 43,05,391 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. મેળા દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને દાનની કુલ 2,16,44,619 રૂપિયાની આવક નોંધાઈ. આ ઉપરાંત, 36.500 ગ્રામ સોનું પણ મળ્યું. 67,572 યાત્રિકોએ ઉડનખટોલા અને રોપ-વેનો લાભ લીધો હતો.

ભાદરવી પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી મહામેળો-2026 પૂર્ણ થયો હતો. 7 દિવસમાં 43 લાખથી વધુ માઈભક્તોએ જગતજનની અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે ધજા ચડાવી હતી. મેળાના સાતમા દિવસે માતાજીને એક ભક્તે સોનાનો હાર અર્પણ કર્યો હતો.

ભાદરવી પૂમના દિને સવારથી જ અંબાજીના નિજ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને મંદિરથી લઈને સમગ્ર અંબાજીમાં ગરબો લઈ ભક્તો ઝૂમ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાથમાં ધજા લઈ અંબાજી પહોંચ્યા હતા. તેમજ પોલીસ વિભાગે ધજા ચડાવી હતી. મેળાના 7 દિવસ દરમિયાન  ભક્તોની સુવિધા માટે એસ.ટી. વિભાગે 8,203 બસ ટ્રીપ દોડાવતા કૂલ 3,50,618 લોકોએ પ્રવાસનો લાભ લીધો હતો. 7 દિવસના મેળા દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને દાનની કુલ 2,16,44,619 રૂપિયાની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત, 36.500 ગ્રામ સોનાનું દાન પણ મળ્યું હતું. મેળા દરમિયાન  67,572 યાત્રિકોએ ઉડનખટોલા અને રોપ-વેનો લાભ લીધો હતો. ભક્તોએ 4,528 ધજા રોહણ કરી હતી. 4,93,889 ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. અને 32,31,263 મોહનથાળ અને 44,696 ચીકીના પેકેટનું વિતરણ થયું હતું.

 ભાદરવી પૂનમના દિવસે અંબાજી મંદિરમાં એક ભક્તે માતા અંબાને સોનાનો હાર ભેટ ધર્યો છે. ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખીને આ ગુપ્તદાન કર્યું હતું. આ હારનું વજન 16.500 ગ્રામ છે અને તેની કિંમત 2,27,000 રૂપિયા આંકવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular