Homeગુજરાતીગુજરાતભાજપના MP રાજેશ શુક્લ સામે કોંગ્રેસે હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન દાખલ કરી

ભાજપના MP રાજેશ શુક્લ સામે કોંગ્રેસે હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન દાખલ કરી

અમદાવાદ, 02 ઓક્ટોબર, 2026 :  Congress files election petition in High Court against BJP MP Rajesh Shukla ભાજપના રાજ્યસભાના સાંસદ રાજેશ શુકલ સામે  IPC 406 અને 420 ની કલમો અંતર્ગત કેસ પેન્ડિંગ હોવા છતાંયે ચૂંટણી ઉમેદવારી પત્રમાં ન જણાવતા કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવતા હાઇકોર્ટે સાંસદને જવાબ રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે. આ અંગે કોંગ્રેસના નેતા અને એડવોકેટ શક્તિસિંહ ગોહિલના જણાવ્યા મુજબ ભાજપના રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદ રાજેશ શુક્લ સામે IPC 406 અને 420 ની કલમો અંતર્ગત કેસ પેન્ડિંગ હતો. તેમ છતાં તેમણે ચૂંટણી ઉમેદવારી પત્રમાં કોઈ ક્રિમીનલ કેસ પેન્ડિંગ નહીં હોવાનું જણાવ્યું હતું.

રાજ્યસભાના સંસદની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર રાજેશ શુકલએ પોતાના પર કોઈ ક્રિમિનલ કેસ પેન્ડિંગ ન હોવાનું એફિડેવિટમાં જણાવ્યું હતુ. ઉમેદવારે ચૂંટણી ફોર્મમાં તે જાણવું પડે કે તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી થઈ છે તો તે કઈ છે અને ક્યાં સ્ટેજ ઉપર છે. ભાજપ સાંસદ રાજેશ શુકલએ આવી કોઈ વિગત દર્શાવી નથી. કોંગ્રેસ પાસે માહિતી આવતા ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં કોર્ટે આ અરજી સંદર્ભે જવાબ રજૂ કરવા સાંસદને નોટિસ પાઠવી છે.

 ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું તેના કરતા પણ મોટી ભૂલ રાજેશ શુક્લએ કરી હોય તો તેઓનું ફોર્મ કેમ રદ્દ કરવામાં આવ્યું નથી ? હાઇકોર્ટમાં અગાઉ સાંસદ સામે થયેલા કેસમાં તેને રદ્દ કરવા અરજી દાખલ કરાઈ હતી, જો કે તેમને કોઈ રાહત હાઇકોર્ટે આપી નહોતી.

એડવોકેટ સી.પી.ચાંપાનેરીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે નિયત કરેલા નમૂના મુજબનું એફિડેવિટ દાખલ કરવું પડે. સુપ્રીમકોર્ટના આદેશો મુજબ પણ ઉમેદવાર સામેની કાનૂની કાર્યવાહી ફોર્મમાં જાહેર કરવી પડે. જો ઉમેદવાર આવી જાહેરાત ન કરે તો તેની ઉમેદવારી રદ્દ થવા પાત્ર છે. રાજેશ શુક્લએ ઉમેદવારી ફોર્મમાં લખ્યું છે કે તેની સામે કોઈ ક્રિમીનલ કેસ પેન્ડિંગ નથી. સાંસદ સામે IPC 406, 420, 465 અને 467 કલમો અંતર્ગત ગુન્હો નોંધાયેલો છે. જેમાં સાંસદ સામે ચાર્જફ્રેમ પણ થયેલો છે અને કેસ પુરાવા રજૂ કરવાના તબક્કા ઉપર છે. તેમની સામે કોર્ટે પ્રોસેસ પણ ઇસ્યુ કરી હતી, તેને સાંસદે હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો, પરંતુ તેમને કોઈ દાદ કોર્ટ તરફથી મળી નથી. આમ તેમની ચૂંટણી રદ્દ થવા પાત્ર હોવાની માંગ હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આથી હાઇકોર્ટે સાંસદને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular