Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 136 બસ સ્ટેન્ડ પર શરૂ થયા ગ્રામ હાટ, રાજકોટથી મુખ્યમંત્રીએ કરાવ્યો...

ગુજરાતમાં 136 બસ સ્ટેન્ડ પર શરૂ થયા ગ્રામ હાટ, રાજકોટથી મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

રાજકોટ, 10 ઓક્ટોબર, 2026 : Gram Haats started at 136 bus stands in Gujarat રાજ્યની બહેનોને “નવરાત્રિની ભેટ” આપતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈએ આજે ૨૭ જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત ૧૩૬ જેટલા ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે મહિલાલક્ષી વિવિધ પહેલો સાથે ત્રિ-દિવસીય ‘સરસ મેળા’નો શુભારંભ કરાવ્યો હતો. “ગૃહ નારી”ને “લક્ષ્મી સ્વરૂપા” બનાવતી આ પહેલોની જાહેરાતને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભામાં ઉપસ્થિત હજારો બહેનોએ હર્ષભેર વધાવી લીધી હતી.

ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મહિલાઓને વિકાસયાત્રામાં માત્ર લાભાર્થી નહીં, પરંતુ ડેવલપમેન્ટ પાર્ટનર બનાવવાનો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનો નિર્ધાર છે.

આ તકે મુખ્યમંત્રીએ સૌને આવતીકાલથી શરૂ થઈ રહેલી નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મહિલાઓને આર્થિક પગભર બનાવવાના ભાગરૂપે આજે અનેક નવી પહેલો શરૂ કરવા બદલ તેમણે મંત્રીશ્રી અને વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રાજ્યના ૧૩૬ બસ સ્ટેશનોમાં સખીમંડળ સંચાલિત ગ્રામહાટના શુભારંભ સાથે અહીં ૧૩ એમ.ઓ.યુ. થયા છે. બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશન પર સ્વસહાય જૂથની બહેનોના ઉત્પાદનના વેચાણ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનાથી ગ્રામીણ માતા-બહેનોના હસ્તકલા ઉત્પાદનો અને ગૃહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રીઓને વિશાળ બજાર મળશે અને વોકલ ફોર લોકલ મંત્ર સાર્થક થશે.

મહિલાઓને સફળ ડિજિટલ ઉદ્યોગ સાહસિક બનાવવા એન.આઈ.એફ.ટી., માઈકા, ડી.ડબલ્યુ.આઈ.આઈ. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા મેન્ટરશિપ અને માર્ગદર્શન પૂરું પાડવા વિશેષ પહેલ શરૂ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.  આ સાથે કહ્યું હતું કે, અમૂલ દ્વારા રાજ્યમાં ૧૮ હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર શરૂ કરવામાં આવશે. આ માટે આજે જી.એલ.પી.સી. અને અમૂલ વચ્ચે એમ.ઓ.યુ. થયા છે.

મુખ્યમંત્રીએ આજના પ્રસંગને શક્તિ ઉપાસનાના પર્વ પહેલા નારીશક્તિને સમૃદ્ધ કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનો અવસર ગણાવ્યો હતો.

આ અવસરે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં  નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાઈવલીહુડ પ્રમોશન કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જેના પરિણામે સખી મંડળોની રચના થઈ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે.

જ્યારે ગ્રામવિકાસ મંત્રી  કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ દરમિયાન અનેક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણની દિશામાં ‘મિશન મંગલમ’ અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular