સુરત, 8 નવેમ્બર, 2026 : Fire breaks out in closed building and waste storage godown due to fireworks શહેરના ઉધના વિસ્તારમાં ફટાકડાના તણખાને કારણે આગ લાગવાના બે અલગ-અલગ બનાવો બન્યા હતા. મોડી રાત્રે ફટાકડા ફોડતી વખતે ઉડેલા તણખાથી એક બંધ મકાન તેમજ કારબીઝ વેસ્ટેજના વિશાળ ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. ફાયર બ્રિગેડના કાફલાએ તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયુ હતું.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉધના રોડ સ્થિત સુવિધા હોસ્પિટલ નજીક આવેલી કાશીનગર સોસાયટીના પહેલા માળે રહેતા યુપી-વૃંદાવનના વતની નિકુંજભાઈ દિવાળી વેકેશન નિમિત્તે પરિવાર સાથે ઘર બંધ કરીને વતન ગયા છે. દરમિયાન મોડી રાત્રે તેમના ઘરની બહાર લોકો ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે રોકેટ કે ફટાકડાનો સળગતો તણખો મકાનની ખુલ્લી બારીમાંથી રૂમમાં પ્રવેશી પડદા પર પડ્યો હતો. અને આગ લાગી હતી. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર રૂમને લપેટમાં લીધો હતો. બારીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી બાજુના રૂમોમાં આગ ફેલાતી અટકાવી હતી. જોકે, આ દુર્ઘટનામાં પલંગ, કબાટ, પંખો, પ્રિન્ટર, કપડાં અને વાયરિંગ સહિતની તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.
આગના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના ઉધના રોડ પર બીઆરસી દક્ષેશ્વર મંદિર પાસે આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારબીઝ વેસ્ટેજના ગોડાઉન પાસે રાત્રિના સુમારે લોકો ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ઉડેલા તણખાથી સૂકા વેસ્ટેજના જથ્થામાં અચાનક આગ ભડકી ઊઠી હતી. જ્વલનશીલ કચરો હોવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોતજોતમાં સમગ્ર ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું. આગની પ્રચંડ જ્વાળાઓ અને ભારે ગરમીના કારણે ગોડાઉન પર બાંધેલો લોખંડના પતરાનો વિશાળ શેડ નમી ગયો હતો. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં આસપાસના વિસ્તારમાં દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં આગ વિકરાળ બનતાં આસપાસના અન્ય કારખાનાઓમાં પણ આગ પ્રસરવાનો ખતરો ઊભો થયો હતો.








