અમરેલી, 9 નવેમ્બર, 2026 : A leopard attacked a child and killed him જિલ્લામાં સિંહની જેમ દીપડીની વસતીમાં પણ વધારો થયો છે. જિલ્લામાં હાલ ખરીફ પાકની લલણી અને રવિપાકની વાવણીનું કામ ચાલી રહ્યું હોવાથી મોટાભાગનો ખેડૂત અને શ્રમિક વર્ગ વાડી-ખેતરોમાં જ હોય છે. ત્યારે જિલ્લાના સણોસરા અને મોટા ભંડારિયા ગામની વચ્ચે સીમ વિસ્તારમાં વાડીમાં કામ કરતા શ્રમિકના 7 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. દરમિયાન પરિવારજનોએ બુમાબુમ કરતા આજુબાજુના વાડી-ખેતરમાંથી લોકો દોડી આવ્યા હતા. શોધખોળ કરતા મૃત બાળકના શરીરના અંગો વિક્ષિત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારી સહિત સ્ટાફ દોડી આવ્યો હતો. અને દીપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, જિલ્લાના સણોસરા ગામના સીમ વિસ્તારમાં જીતુ સોમલાભાઈ માંજરિયાના ખેતરમાં 20થી વધુ મજૂરો કપાસ વીણતા હતા. દરમિયાન બે બાળક પાણી પીવા જતા હતા, જેમાંથી એક બાળક પર દીપડાએ અચાનક હુમલો કર્યો છે. જ્યારે અન્ય બાળક આ દૃશ્ય જોઈ ગભરાઈ ગયો હતો અને ત્યાથી ભાગ્યો હતો. દીપડાએ બાળકનો શિકાર કરતા અવાજ સંભળાતા લોકો ત્યા દોડી આવ્યા હતા અને 30 મિનિટથી વધુની શોધખોળ બાદ બાળકના અડધા અંગો મળી આવ્યાં હતા. હુમલો એટલો ભયાનક હતો કે દીપડાએ બાળકના માથા અને પેટનો ભાગ ચીરી નાખ્યો હતો. ઘટનાસ્થળે બાળકના પેટના ભાગે દીપડાના દાંતનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં. આ હુમલામાં બાળક સાહિલ કલાસવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાને પગલે આસપાસનાં ગામોમાં પણ ફફડાટ ફેલાયો છે.
આ બનાવની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા. બીજી તરફ, વનવિભાગે દીપડાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સર્ચ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરી છે.
શેત્રુંજી ડિવિઝનના ACF રાજન જાદવે જણાવ્યું કે, અમરેલીના સણોસરા ગામમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ જ્યારે મજૂરો કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. તેમની સાથે બાળકો પણ હતા, ત્યારે એક બાળક પર દીપડા દ્વારા હુમલો કરી તેનું મોત નિપજાવવામાં આવ્યું છે. હાલ વન વિભાગની તમામ કાર્યવાહી ચાલુ છે.








