Homeગુજરાતીગુજરાતકચ્છ પોલીસે 9 રાજ્યોમાં સર્ચ કરીને સાયબર ફ્રોડના 13 આરોપીને દબોચી...

કચ્છ પોલીસે 9 રાજ્યોમાં સર્ચ કરીને સાયબર ફ્રોડના 13 આરોપીને દબોચી લીધા

ભૂજ, 15 નવેમ્બર, 2026 : Kutch Police arrested 13 cyber fraud accused રાજ્યમાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં સાયબર માફિયાઓ લોકોને ઠગવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. કચ્છના ગાંધીધામની એક લોજિસ્ટિક્સ પેઢી સાથે થયેલા રૂ.8.46 કરોડના મસમોટા સાયબર ફ્રોડના કેસમાં કચ્છ પોલીસે આસામ, તેલંગાણા, રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત દેશના  9 રાજ્યોમાં દરોડા પાડીને આંતરરાજ્ય ગેંગના કુલ 13 સાયબર ક્રિમિનલ આરોપીઓને દબોચી લીધા છે. આ સાથે જ વિવિધ બેંકોના સંકલનથી રૂ.3.84 કરોડની માતબર રકમ ફ્રીઝ કરવામાં પણ પોલીસને સફળતા મળી છે.

કચ્છ પૂર્વના એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, ગત 4થી  નવેમ્બરની સાંજે ગાંધીધામમાં ‘મારુતિ લોજિસ્ટિક્સ’ નામની પેઢી ધરાવતા વેપારીના યસ બેંકના ખાતામાંથી સાયબર ગઠિયાઓએ રૂ. 8 કરોડ 46 લાખ ઉપાડી લીધા હતા. ઠગ ટોળકીએ માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં 210થી વધુ ટ્રાન્ઝેક્શન કરીને આ નાણાં દેશભરના અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. બનાવની જાણ થતા જ ભોગ બનનારે તુરંત સાયબર હેલ્પલાઇન નંબર ‘1930’ પર ફરિયાદ નોંધાવી હતી. સાડા આઠ કરોડ જેટલી મોટી રકમનો ગુનો હોવાથી રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને સાયબર સેન્ટર ઓફ એક્સીલેન્સ (ગાંધીનગર) ના IG વિપિન આહીરેના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી.

પૂર્વ કચ્છ પોલીસની અલગ-અલગ 10 ટીમો બનાવીને ટેકનિકલ એનાલિસિસના આધારે વિવિધ રાજ્યોમાં રવાના કરવામાં આવી હતી.પોલીસે ગુવાહાટી (આસામ), તેલંગાણા, રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે,  જ્યારે જામનગર ખાતેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ  અમદાવાદ ખાતેથી પણ  2 આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂ.70,000 ની કિંમતના 14 મોબાઈલ, રુ.40,000 ના મુલ્યના 2 લેપટોપ, રુ.3,000 ની કિંમતના સી.પી.યુ. હાર્ડડિસ્ક કબજે કર્યા હતા.

આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. હુણ, એલસીબી પીઆઈ એસ.વી. ગોજીયા,પીએસઆઇ એચ.બી. કોવાડીયા, આર.એમ. ડુવા, ડી.જી. પટેલ, કે.જે. વાઢેર, સી.એમ. ચૌધરી તેમજ એલ.સી.બી., ગાંધીધામ સાયબર ક્રાઈમ અને અમદાવાદ સાયબર ક્રાઈમ સેલની ટીમોએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

 પોલીસ તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે,  ઝડપાયેલા 13 પૈકી 4 આરોપીઓ અગાઉ પણ સાયબર ચીટિંગ અને ફ્રોડના ગુનાઓમાં સંકળાયેલા છે. તેમની સામે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, રાજસ્થાન અને જામનગરમાં ગુનાઓ નોંધાયેલા છે. આ ઓપરેશનમાં એક્સિસ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક અને ફેડરલ બેંકની ટીમોએ ત્વરિત એનાલિસિસ અને ખાતા ફ્રીઝ કરવામાં પોલીસને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img