અમદાવાદ, 15 નવેમ્બર, 2026 : Celebrated the great festival of Chhath ગુજરાતના અમદાવાદ, સુરત સહિત તમામ મહાનગરોમાં રોજગાર-ધંધામાં ઉત્તર ભારતના અનેક લોકો વસવાટ કરીને સ્થાયી થયા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત રાજ્યોના લોકોમાં છઠ પર્વનું વિશેષ મહાત્મ્ય હોય છે. ત્યારે આજે રવિવારે 15 નવેમ્બર કાર્તિક શુક્લ ષષ્ઠીના દિને છઠ પર્વની અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. ઉત્તર ભારતીય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂર્યદેવની પૂજા-અર્ચના કરી હતી.
બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના લોકો ઊગતા અને આથમતા બંને સૂરજની પૂજા કરે છે. ત્યારે આજે રવિવાર, કાર્તિક શુક્લ ષષ્ઠીના દિને છઠ મહાપર્વની ઉત્તર ભારતીય સમાજ દ્વારા અમદાવાદ, સુરત સહિત શહેરોમાં ઊજવણી કરવામાં આવી હતી. છઠ પૂજા પર અસ્ત થતા સૂર્યને અને કાલે એટલે કે 16 નવેમ્બરની સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. આ વ્રત સંતાનના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. છઠ પર્વમાં સૂર્યદેવ સાથે છઠી મૈયાની પૂજા કરવાની પરંપરા છે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર હિતેશ બારોટ સહિતના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી છઠી મૈયાની આરતી કરી હતી. નદી કિનારે અને વિવિધ ઘાટ પર મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ, ખાસ કરીને ઉપવાસ કરતી મહિલાઓએ ડૂબતા સૂર્યદેવની પૂજા કરી હતી. શહેરના ઇન્દિરા બ્રિજ નજીક સાબરમતી રિવરફ્રન્ટ છઠ પૂજા ઘાટ ઉપરાંત સાબરમતી, ચાંદખેડા, અમરાઈવાડી અને મેઘાણીનગર જેવા વિસ્તારોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
સુરતમાં પણ 22 સ્થળો પર છઠ પૂજાનું ધામધૂમથી આયોજન કરાયું હતું, જ્યાં તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સૂર્યદેવને નમન કર્યા હતા. રાજકોટમાં આજી નદી ખાતે 7,000 જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, મહિલાઓએ સ્નાન કરીને આથમતા સૂરજની પૂજા કરી હતી, જ્યારે બાળકોએ ફટાકડા ફોડીને પર્વનો આનંદ માણ્યો હતો. વડોદરામાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી, ફાજલપુર સ્થિત મહીસાગર નદીના તટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ અવસરે મહીસાગર નદીના આરે ઉત્તર ભારતીય પરિવારો દ્વારા ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે છઠી માતાની સમૂહ આરતીનું આયોજન કરાયું હતું. રાજ્યના વિવિધ શહેરોમાં શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં છઠ પૂજા થઈ હતી.








