જુનાગઢ, 17 નવેમ્બર, 2026 : Three people arrested with 29.63 kg of ganja શહેરના 66 કેવી સ્ટેશનથી ખામધ્રોળ જતા રોડ પર સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને એક અલ્ટોકારમાંથી 29.634 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો પકડી પાડ્યો હતો. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાર અને મોબાઈલ સહિત કુલ ₹16,12,850નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, જુનાગઢ જિલ્લા એસઓજી પોલીસે શહેર નજીક ખામધ્રોળ જતા રોડ પર એક અલ્યોકારને અટકાવીને કારની તલાશી લેતા 29.634 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. કારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં એવી વિગતો જાણવા મળી છે કે, મુખ્ય આરોપી આમીર અલીભાઈ મકરાણી (રહે. જૂનાગઢ) દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજાના આશરે 25 જેટલા પાર્સલ મંગાવવામાં આવ્યા હતા. તેણે વારીસખાન મહેબુબખાન પઠાણને રૂપિયા આપીને આ જથ્થો સાચવવા માટે આપ્યો હતો અને પોતાના માણસો અલ્તાફ મકરાણી તથા મુસ્તાકમીયા કાદરી મારફતે છૂટક વેચાણ કરાવતો હતો. ગત રાત્રિએ પોલીસ રેડ થવાની ગંધ આવી જતાં વારીસખાનના ઘરે રાખેલો જથ્થો સગેવગે કરવા માટે ઈલ્યાસ મકરાણી અને ઈમ્તિયાઝ સમા અલ્ટો કાર લઈને પહોંચ્યા હતા. ત્રણેય શખ્સો કારમાં ગાંજાના 15 પાર્સલ ભરીને નીકળતા જ SOGની ટીમે પકડી પાડ્યા હતા.
એસઓજી પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ઈલ્યાસ ઉર્ફે ટીપુ અલીભાઈ મકરાણી, ઈમ્તિયાઝ ઉર્ફે ડુહો અબ્દુલભાઈ સમા અને વારીસખાન મહેબુબખાન પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર આમીર અલીભાઈ મકરાણી, અલ્તાફ ભીખુદીન મકરાણી અને મુસ્તાકમીયા બાઉદીનમીયા કાદરી (તમામ રહે. જૂનાગઢ) ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.








