ભૂજ, 17 નવેમ્બર, 2026 : Three teenage bikers die after being hit by a truck કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત અંજાર તાલુકાના અજાપર નજીક સર્જાયો હતો. બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર ત્રણ કિશોરના મોત નિપજ્યા હતા. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રકચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે, અંજાર તાલુકાના અજાપર નજીક પ્લાયવુડ ફેક્ટરી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય કિશોરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં 14 વર્ષીય ઉમલ રામજી આશા રબારી, 16 વર્ષીય માધવ ધના રબારી અને ઈશ્વર કમા રબારીનો સમાવેશ થાય છે. ત્રણ કિશોરોએ અકસ્માતમાં જીવ ગુમાવતા આજુબાજુના વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે. હાલ બનાવ બાબતે અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પૂર્વ કચ્છમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ગતરોજ મુન્દ્રાના લુણી-વડાલા રોડ પર ગાય આડી આવતા તેને બચાવવા જતા બાઇક પર સવાર પિતા-પુત્ર રોડ પર ફંગોળાયા હતા. અને રોડ પર પટકાતા બન્નેના મોત થયા હતા. અંજારના સિનુગ્રા ગામના 40 વર્ષીય કાનજી દેવજી માંગલિયા અને તેમનો 8 વર્ષના પુત્ર રુદ્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બંને લુણી ગણેશ મંદિરમાં આયોજીત સમૂહ લગ્નોત્સવમાં જઈ રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા.








