Homeગુજરાતીગુજરાતગુજરાતમાં હોમ સ્ટે વ્યવસાય બન્યો વધુ સરળ, નિયમોમાં નીતિગત સુધારા કરાયા

ગુજરાતમાં હોમ સ્ટે વ્યવસાય બન્યો વધુ સરળ, નિયમોમાં નીતિગત સુધારા કરાયા

ગાંધીનગર, 21 નવેમ્બર, 2026 :  Home stay business has become easier રાજ્યના પ્રવાસન ક્ષેત્રે સ્વરોજગારને વેગ આપવા અને ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે નીતિમાં મહત્વપૂર્ણ સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા છે. રાજ્યના અર્થતંત્રમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે કરાયેલા આ નીતિગત ફેરફારોથી હોમસ્ટે વ્યવસાય શરૂ કરવા અને તેનું સંચાલન કરવાનું વધુ સુગમ બન્યું છે. આ ફેરફારો હેઠળ હોમસ્ટેમાં મંજૂર રૂમોની મહત્તમ મર્યાદા 6 થી વધારીને 9 કરવામાં આવી છે.

નવી સુધારેલી જોગવાઈઓ મુજબ, હોમસ્ટેમાં મંજૂર રૂમોની મહત્તમ મર્યાદા ૬ થી વધારીને ૯ કરવામાં આવી છે. વહીવટી પ્રક્રિયાઓનું સરળીકરણ કરતાં હવે હોમસ્ટે પરિસરમાં માલિકનું પ્રત્યક્ષ રહેવું ફરજિયાત નથી અને તેના સંચાલન માટે અધિકૃત મેનેજરની નિમણૂક કરવાની પણ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, નોંધણી સમયે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની અનિવાર્યતા પણ દૂર કરવામાં આવી છે, જોકે પ્રવાસીઓની સુરક્ષાના નિયમો અગાઉની જેમ જ સુનિશ્ચિત રાખવામાં આવ્યા છે.

હોમસ્ટેની નોંધણી બે વર્ષ માટે માન્ય રહેશે અને તેનું રિન્યુઅલ હવે ભૌતિક ચકાસણી વિના માત્ર ઓનલાઇન સેલ્ફ-ડિક્લેરેશન (સેલ્ફ-રિન્યુઅલ) દ્વારા કરી શકાશે. રિન્યુઅલ સમયે નવી ભૌતિક તપાસ ફરજિયાત રહેશે નહીં; પરંતુ જરૂરિયાત મુજબ રિસ્ક-બેઝ્ડ અથવા રેન્ડમ તપાસ થઈ શકશે. હોમસ્ટે નોંધણી https://commissionertourism.gujarat.gov.in/home-stay/register વેબસાઈટ પર ઓનલાઈન કરવી રહેશે.

આ નીતિગત સુધારા માત્ર કાગળ પર સીમિત ન રહેતાં જમીની સ્તરે પરિણામલક્ષી સાબિત થાય તે માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વિશેષ માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળોની નજીક રહેતા નાગરિકો પોતાની મિલકતને આધુનિક હોમસ્ટે તરીકે વિકસાવી શકે તે માટે જરૂરી આયોજન, ભાવ નિર્ધારણ, ડિજિટલ માર્કેટિંગ અને સ્થાનિક સંસ્કૃતિ આધારિત પર્યટન પ્રવૃત્તિઓ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. વર્કશોપ માટે: https://www.gujarattourism.com/forms/guide-tourist.html વેબસાઇટ પર નોંધણી કરાવી ભાગ લઈ શકાય છે.

આ સર્વગ્રાહી અભિગમનો મુખ્ય ધ્યેય પ્રવાસીઓને ગુજરાતના સમૃદ્ધ વારસા, પરંપરા અને સ્થાનિક જીવનશૈલીનો જીવંત અનુભવ કરાવવાની સાથે સ્થાનિક સ્તરે આર્થિક સશક્તિકરણનું મજબૂત માળખું રચવાનો છે.

ગુજરાતમાં હોમસ્ટે ની સંખ્યા વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૪૮ હતી જ્યારે અને વર્ષ ૨૦૨૬-૨૭માં ૧૦૫.૪ ટકાના ઉછાળા સાથે ૩૦૪ સુધી પહોંચી છે. આ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે કે સરકારની ઉદ્યોગ-સાહસિકતા તરફી નીતિઓ અને ઝડપી મંજૂરીની પ્રક્રિયાથી સામાન્ય નાગરિકોમાં હોમસ્ટે વ્યવસાય પ્રત્યે વિશ્વાસ અને ઉત્સાહ બમણો થયો છે. પરિણામે, ગુજરાતનું હોમસ્ટે મોડેલ આજે સામાજિક-આર્થિક પરિવર્તન અને સામુદાયિક પ્રવાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને સમગ્ર દેશ સમક્ષ ઉભરી આવ્યું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img