ગાંધીનગર, 21 નવેમ્બર, 2026 : Fit India Sundays on Cycle’ ભારતીય રમત પ્રાધિકરણ (SAI), પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા રવિવાર, 22 નવેમ્બર 2026ના રોજ ફિટ ઇન્ડિયા ‘સન્ડેઝ ઑન સાયકલ’ની 99મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ વિશેષ કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકારના ચિંતન શિબિર અંતર્ગત સંવિધાન દિવસ’ની થીમ પર ગાંધીનગર સ્થિત દાંડી કુટિર ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે. તેમની ઉપસ્થિતિ નાગરિકોમાં ફિટનેસ, સાયકલિંગ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના સંદેશને વધુ મજબૂત બનાવશે.
કાર્યક્રમની શરૂઆત સવારે 6:00 વાગ્યે ગાંધીનગર સ્થિત દાંડી કુટિરના ગેટ નંબર 2 પરથી થશે. સાયકલ રેલીનો નિર્ધારિત માર્ગ દાંડી કુટિર – મહાત્મા મંદિર – દાંડી કુટિર રહેશે. આ આયોજન દ્વારા સહભાગીઓને સાયકલિંગ, શારીરિક તંદુરસ્તી અને ભારતીય સંવિધાનના મહત્વ અંગે જાગૃત કરવામાં આવશે.
99મી આવૃત્તિ દ્વારા ફિટનેસ, જવાબદાર નાગરિકત્વ અને ભારતીય સંવિધાનમાં સમાવિષ્ટ મૂલ્યો વચ્ચેના સંબંધને પણ ઉજાગર કરવામાં આવશે. આ પહેલના માધ્યમથી નાગરિકોને સાયકલિંગ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓને પોતાની દૈનિક જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિસેમ્બર 2024માં શરૂ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ પહેલનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) હેઠળ ભારતીય રમત પ્રાધિકરણ (SAI) દ્વારા સાઇકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (CFI), નવવ્રતિ ફાઉન્ડેશન, ફિટસ્પાયર, સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટિવ હેલ્થ, MY Bharat અને અન્ય સહયોગી સંસ્થાઓ સાથે મળીને કરવામાં આવે છે.
આ પહેલ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે યોજાય છે. તેમાં SAIના પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCOE), SAI ટ્રેનિંગ સેન્ટર (STC), ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સેલન્સ (KISCE) અને ખેલો ઇન્ડિયા સેન્ટર (KIC)નો પણ સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ નાગરિકોને સાયકલિંગ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓને તેમની દૈનિક જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા દેશભરમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.








