અમદાવાદ, 24 નવેમ્બર, 2026 : Cold conditions intensified due to north-easterly winds રાજ્યમાં કારતક મહિનો અડધો પૂર્ણ થયા બાદ હવે ધીમી ગતિએ ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાતા પવનોને લીધે તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.07 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.9 ડિગ્રી નોંધાયુ હતું. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન કચ્છના નલીયામાં 11.2 ડિગ્રી નોંધાયુ હતુ.
ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જેમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જોકે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થશે અને 30 નવેમ્બર સુધી હવામાન સૂકું રહેશે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલની પવનની દિશાને જોતાં આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને 1થી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલી સામાન્ય વધઘટ જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં તા. 30 નવેમ્બર સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન મુખ્યત્વે ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાય તેવી સ્થિતિ બની રહેશે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ઝડપ થોડી મજબૂત રહેશે, જે 15થી 20 નોટ અને ઝાપટા સાથે 25 નોટ સુધી પહોંચવાની સંભાવના છે. માછીમાર માટે પણ મજબૂત પવનની આગાહી આપવામાં આવી છે, જેમાં પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક અને ઝાપટા સાથે 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.3 ડિગ્રી સેલ્સિયસ નીચું છે. અમદાવાદમાં 18.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.9 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. જ્યારે બીજું સૌથી ઓછું તાપમાન કંડલા એરપોર્ટ પર 13.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી સેલ્સિયસ નીચું છે.
હવામાનના આગાહીકારોની માન્યતા મુજબ જાન્યુઆરી અને ફેબ્રુઆરીને શિયાળાની ઋતુ માનવામાં આવે છે. હાલની પવનની દિશાને જોતાં આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને 1થી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલી સામાન્ય વધઘટ જોવા મળશે. ઉત્તર દિશામાંથી ઠંડી હવા ફૂંકાવાનું શરૂ થાય ત્યારબાદ જ રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.








