અમદાવાદ, 27 નવેમ્બર, 2026 : Fire breaks out in two scrap godowns in Narol, શહેરના નારોલ વિસ્તારમાં આરવી ડેનિમ ફેક્ટરીની પાછળ આવેલા ભંગારના બે ગોડાઉનમાં આગ લાગતા આ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ અડધો કલાક સુધી પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નારોલ વિસ્તારમાં પીરાણા ડમ્પ સાઇટ નજીક આરવી ડેનિમ ફેક્ટરીની પાછળ અલગ અલગ ગોડાઉન આવેલા છે. જેમાં ભંગારના બે ગોડાઉનમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતાની સાથે જ તાત્કાલિક 5 જેટલી ગાડીઓ અને અધિકારી રવાના કરવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી જોવા મળતા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળ પર પહોંચ્યા ત્યારે આગ વિકરાળ બની ચૂકી હતી. એક આખા ગોડાઉનમાં લોખંડ સહિત પ્લાસ્ટિક તેમજ અલગ અલગ ભંગારના સામાનમાં આગ લાગી હતી. અને આગ પ્રસરીને બાજુમાં આવેલા ભંગારના ગોદામમાં પણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. 30 મિનિટમાં આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી છે. આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.








