
ગુજરાતમાં નાગરિકોમાં સ્થૂળતા ઘટાડવા મામલે અભિયાન શરૂ કરાશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 4 માર્ચ, 2025ના રોજ વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ સાધનાને તથા ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્ત્વ આપ્યું છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહ્યા છે. વડાપ્રધાનએ તેમના લોકપ્રિય રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના તાજેતરના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. એટલું જ નહિ, તેમણે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામુહિક કાર્યવાહી પર પણ પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો. વડાપ્રધાનના જનહિતકારી કાર્યક્રમો અને પ્રજાલક્ષી આહવાનોને ગુજરાતે હંમેશા ત્વરિત અને ઉત્સાહપ્રેરક પ્રતિસાદ આપ્યો છે. તેમણે વધતી જતી મેદસ્વિતા અંગે જે ચિંતા વ્યક્ત કરી છે તે વિષયને પણ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં કરેલા નિવેદનમાં કહ્યું કે, રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા કેવી રીતે ઓછી કરી શકાય એ માટે અભિયાન ચલાવશે. જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે. “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વાંગી વિકાસના વડાપ્રધાનના ધ્યેયને હાંસલ કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહના સૌ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને “મેદસ્વિતામુક્ત ગુજરાત” અને સૌ નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના જનસેવા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો.