1. Home
  2. ગુજરાતી
  3. ‘ડાયલોગ’થી મનનો મહિમા અને શબ્દોનો ઉત્સવ ઉજવતો રાજકોટનો એક અનોખો સર્જક
‘ડાયલોગ’થી મનનો મહિમા અને શબ્દોનો ઉત્સવ ઉજવતો રાજકોટનો એક અનોખો સર્જક

‘ડાયલોગ’થી મનનો મહિમા અને શબ્દોનો ઉત્સવ ઉજવતો રાજકોટનો એક અનોખો સર્જક

0
Social Share

એક છોટી સી કલમ,

કિતની અનમોલ હોતી હૈ,

અન કહે શબ્દો કો ભી,

સરલતા સે બોલ દેતી હૈ…

‘ડાયલોગ’ અને ડાયલોગ કરવાવાળાની વાત છે. આજે સાંજે ઘરમાં પ્રવેશતા પરસાળમાં પોસ્ટમાં આવેલુ એક કવર જોયું. જોતા વેંત એની સાઇઝ અને આકાર ઉપરથી પામી ગયો કે આ તો ‘ડાયલોગ’ સામયિક છે. વાત કરવી છે સ્વ સાથે સતત જાગૃત સંવાદ કરતા જણની. એના ‘ડાયલોગ’ની… એ સ્વભાવે અંતર્મુખી અને બોલવામાં સ્પષ્ટ વક્તા. એ ભાષાના ઉપાસક અને કલ્પનાશીલ સર્જક પણ ખરા. નામ એમનું દિનેશ કાનાણી. જામનગરના જાંબુડામાં જન્મેલા સર્જક દિનેશ કાનાણીનું પાંચ સાડા પાંચ દાયકાનું જીવન સૌરાષ્ટ્રમાં અને વિશેષ કરીને રાજકોટમાં જ પસાર થયું. બાળપણથી પોતાની જાત સાથે સંવાદ કરીને પોતાના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાનો એમનો સ્વભાવ આજે પણ એમને માનસિક રીતે તરોતાજા કિશોર વયના રાખી રહ્યા છે.

ગમતા સર્જક મિત્રોની મહેફિલમાં બેસીને અવનવા સર્જનો સાંભળવા અને રજૂ કરવાનો એમનો નિત્ય ઉપક્રમ રહ્યો છે. એમાં એમને મોજ આવે છે. અત્યંત સંવેદનશીલ અને લાગણીશીલ એવા દિનેશભાઈ અન્યત્ર પ્રસિધ્ધ થયેલા બીજા સર્જકોના એમને ગમતા પ્રેરણાદાયી સર્જનો વાચકો સુધી પહોંચાડવાનો ગજબનો શોખ ધરાવે છે. છેલ્લા એક દાયકા ઉપરાંતના સમયથી દિનેશભાઈ મનનો મહિમા અને શબ્દોનો ઉત્સવ ‘ડાયલોગ’ દ્વારા ઉજવી રહ્યા છે. ‘ડાયલોગ’ એક મઝાનું પ્રકાશન છે. આ પ્રકાશનને સામયિક કહેવું કે મેગેઝીન એ અવઢવમાં છું. કારણ ડાયલોગ પ્રસિધ્ધ થવાની કોઈ નિશ્ચિત અવધી નથી કે નિશ્ચિત પાનાની સંખ્યા પણ નથી. પરંતુ સર્જક દિનેશભાઈની સતત્વશીલ શબ્દોનો ઉત્સવ ઉજવવાની ભાવના એમાં નિસંદેહપણે જોઈ શકું છું.

‘ડાયલોગ’ના ૨૩માં સંસ્કરણના મુખપૃષ્ટ પર એમણે સરસ વાતનો ઉલ્લેખ કર્યો છે. એમણે મૂક્યું છે કે, ‘જ્ઞાન એ તીર્થ છે, ધીરજ એ તીર્થ છે, પુણ્ય કર્મ એ તીર્થ છે અને શુદ્ધ મન એ તો તીર્થોનું પણ તીર્થ છે.’ દિનેશભાઈ સંપાદિત ‘ડાયલોગ’ના ઇનર ટાઇટલ ઉપર એમણે ‘થોડી સ્પષ્ટતા’ મથાળા હેઠળ બહુ મોટી વાત કરી છે. થોડી સ્પષ્ટતાનો પ્રથમ મુદ્દો એ છે કે, આ પ્રકાશનમાં માત્ર અગાઉ પ્રકાશિત પુસ્તકો સામયિકોમાંથી એમને ગમેલું ચૂંટેલું સાહિત્ય જ પિરસવામાં આવ્યું છે. બીજા મુદ્દામાં એમને ગમેલા ભાવ અને શબ્દો જગતના લોકો સુધી પહોંચાડવાના આ કલાત્મક પુરુષાર્થનો ઉપક્રમ હોવાનું જણાવાયું છે. અંતિમ સ્પષ્ટતાનો મુદ્દો સૌથી અસરકારક જણાય છે. એમાં દિનેશભાઈ કહે છે કે, સાહિત્ય સંવેદન માટે આર્થિક રીતે ખુંવાર થઈને પણ સમાજનું ભાવજગત સમૃદ્ધ કરવું એ આ સામાયિક સંપાદનનો પ્રાથમિક અને અંતિમ ઉદ્દેશ્ય છે. વળી અંતમાં એ પણ કહે છે કે, આ તમામ સ્પષ્ટતાઓને સમય અને સંજોગ તથા સંપાદકનું મન બદલાવી પણ શકે છે. એટલે કે હાલમાં તો આ તમામ ‘થોડી સ્પષ્ટતા’ સાથે સંપાદક ‘ડાયલોગ’નું સંપાદન કરી જ રહ્યા છે. ‘ડાયલોગ’ના ૨૩માં સંસ્કરણમાં ગીજુભાઇ બધેકા, ખલીલ જીબ્રાન, શરદ ગ્રંથાવલીના અંશ, કિશોરલાલ મશરૂવાળા, સુરેશભાઇ જોષી જેવા સર્જકોની એમને મનપસંદ કૃતિઓ પ્રસ્તુત કરી છે.

રાજકોટમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા આ સર્જકનો સ્વભાવ અત્યંત હસમુખો અને મોજીલો છે. પણ હા એ વાત પણ છે કે, દિનેશભાઈને કોઈ સર્જન મનમાં ખટકે ત્યારે એના માટે સ્પષ્ટ કહેવાનું એ ક્યારેય ન ચૂકે. એમની જિંદાદિલીની દાસ્તાન તો એવી છે કે, ‘ડાયલોગ’ના માધ્યમથી અર્થ ઉપાર્જન કરવાનું તેમણે ક્યારેય નથી વિચાર્યું. જાહેર ખબર લેવી કે અન્ય કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણીની ચાપલુસી કરીને પૈસા પેદા કરવાનું એમણે સ્વપ્ને વિચાર્યું નથી. ગાંઠનુ ગોપી ચંદન ઘસીને આ અદભુત શોખ એમણે વિકસાવીને આજ પર્યંત બરકરાર રાખ્યો છે. દિનેશભાઈ કાનાણીના અંગત મિત્ર સર્જક દીપકભાઈ ત્રિવેદી કહે છે કે, ‘મિત્ર દિનેશ નોખી માટીનો અનોખો માનવી છે. એને ગમે એટલા સમય પછી મળીએ તો પણ એની લાગણી અને સ્નેહમાં ક્યારેય ઓટ ન વર્તાય.’ એવા જ એમના બીજા એક મિત્ર સર્જક પારસભાઈ હેમાણીના મતે ‘દિનેશભાઈ એટલે મળવા જેવો મઝાનો માણસ. જેટલી એમની સર્જનાત્મકતા અવ્વલ દરજ્જાની હોય છે એટલો જ એ ઉત્તમ દરજજાનો વ્યક્તિ છે.’ પારસભાઇ કહે છે કે, દિનેશભાઈનો વાંચનનો શોખ કાબીલે તારીફ છે. એમની અંગત લાઇબ્રેરી પણ જોવા જેવી છે. અનેક ઉત્તમ પુસ્તકો અને વર્લ્ડ ક્લાસ મેગેઝીનોનો એ નિયમિત અભ્યાસ કરતા રહે છે.

પુલક ત્રિવેદી

શ્રી ગઝલ, તારા ગયા પછી, તત્વ, એક કપ કોફી અને…, ઋણાનુબંધ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. અહીં એક વાતનો ઉલ્લેખ કરી લેવો જોઈએ કે, એમના ગઝલ સંગ્રહ વરસાદને રણજિત પટેલ અનામી પુરસ્કારથી નવાજિત કરવામાં આવ્યો છે. અછાંદસ રચનાઓમાં દિનેશભાઇ માહિર છે. તેમના મિત્રો કહેતા હોય છે કે, વિશ્વના કોઈપણ ખૂણે જો કંઈ ખોટું થાય તો દિનેશભાઈ મનોમન ખૂબ વ્યથિત થઈ જતા હોય છે એમના શબ્દો અને વાણીમાં એ અંગે આક્રોશ નીકળ્યા વગર ન રહે. નકારાત્મકતા એમનામાં નામ માત્ર જોવા ન મળે. સકારાત્મકતા સાથે ઉત્તમ સર્જન નિર્લેપ રીતે રજૂ કરવાની એમની આગવી શૈલી એમના મિત્રોમાં ખૂબ પ્રિય છે.

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટના સર્જક મિત્રોનું વૃંદ દિપકભાઈ ત્રિવેદી, રાકેશભાઈ હાંસલીયા, પારસભાઈ હેમાણી, હર્ષિદાબહેન ત્રિવેદી વગેરેની સાથે થતી ગોષ્ઠીઓમાં દિનેશભાઈની હાજરી અવશ્ય હોય જ. પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસી નાખવી કે આક્ષેપબાજી કરવાની વૃત્તિ ક્યારેય કોઈ મિત્રને એમનામાં દેખાઈ નથી. અવિવાહિત આ સર્જક તેમના ભાઈ સાથે રહે છે. એમના પરિવારની એક વાતનો ઉલ્લેખ કરવા જેવો છે. એમની લધુ ભગિની રાઇફલ શૂટિંગમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લે છે. એ અનેક સ્પર્ધાઓમાં મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે. દિનેશભાઈને એકાદ બે વાર જ મળવાનો અવસર મળ્યો છે પરંતુ એમના સામયિક ‘ડાયલોગ’ દ્વારા તેમને નિયમિત રીતે મળવાનો ઉપક્રમ સમયાંતરે થઈ જતો હોય છે. એમના ‘ડાયલોગ’ સામયિકમાંથી જેટલી વાર પસાર થઉં એટલી વાર એક નવી ઉર્જાનો અહેસાસ થતો હોય છે. સર્જકોના સર્જન વિશે સામાન્ય રીતે વાત થતી હોય એ સ્વાભાવિક છે પરંતુ અહીં એક સર્જકના સર્જન અને એના ભાવનાત્મક સંપાદનની કહાની બયાં કરવાનો નમ્ર પ્રયાસ છે. તેમના એક સર્જનની ચાર લાઈનો દ્વારા એમની સર્જનશક્તિને પોંખવાની ઈચ્છા છે.

ભાઈ, આ તો કમાલ જેવું છે,

આખું જીવન મશાલ જેવું છે,

ક્યાં જઈએ હવે અહીંથી બોલ,

પ્રાર્થનામાં ધમાલ જેવું છે…

જ્યારે વ્યક્તિ કોઈ ભેખ લઈને ચાલતો હોય છે ત્યારે એને મળતો સંતોષ અને આત્મવિશ્વાસ અનેરો હોય છે. મન ગમતા શબ્દો અને સર્જન લોકો સુધી પહોંચાડવાનો ભેખ લઈને ચાલતા સર્જક દિનેશ કાનાણીની આ નિર્લેપ અને સંનિષ્ઠ પ્રવૃત્તિ જોઈને ચોક્કસ પ્રેરણા પ્રાપ્ત થાય અને કહેવાનું મન થાય કે, ભાઈ દિનેશ કાનાણીને એમની આ અદભુત મનગમતી પ્રવૃત્તિઓ માટે દિલથી સલામ છે. અભિનંદન આપવા ઘટે. એની નોંધ લેવી ઘટે. પરિપૂર્ણ અને અર્થસભર જીવન માટે વ્યક્તિગત વિકાસ એ પાયાનું તત્વ છે. વ્યક્તિના જીવનના સુખ અને ખુશી એણે વિકસાવેલા સ્વવિકાસ માટેની પરિપાટીમાં અંકિત થતા હોય છે. આમ તો વ્યક્તિગત વિકાસની શરૂઆત સ્વજાગૃતિથી થતી હોય છે. પોતાનું સામર્થ્ય અને નબળાઈને ઓળખીને જ વ્યક્તિ વધુ સ્પષ્ટ બની શકે છે. આનાથી જ સમજ પડે છે કે શેનાથી આપણે ચાલીએ છીએ એટલે કે જીવી શકીએ છીએ અને શેનાથી આપણી પ્રગતિ અવરોધાય છે.

જેમ જેમ અંતરની અનન્ય ભાવનાઓ વિકસતી જાય છે એમ એમ આસપાસના લોકો સાથે અર્થપૂર્ણ જોડાણો વિસ્તરતા જાય છે. નવું કૌશલ્ય કેળવાતું જાય અને સ્વજાગૃતિ વધતી જાય. એના પછી આંતરિક પરીતૃપ્તિ અને આનંદના અવસરો આપોઆપ વધતા જાય છે. આ પ્રક્રિયા જીવનભર ચાલતી રહે છે. અબ્રાહમ માસ્લોના મતે જગતના દરેક વ્યક્તિને વ્યક્તિગત વિકાસની આંતરિક જરૂરિયાત હોય જ છે. આ જરૂરિયાત એણે પોતાની જાત સાથે સંવાદ કરીને સંતોષવાની હોય છે.

ધબકાર :

પોતાના કાર્યો, કૌશલ્ય, કર્તવ્યનિષ્ઠા, સજ્જનતા અને સૌમ્યતા એક અલગ પહેચાન ઉભી કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code