
- મ્યુનિની બિલ્ડિંગ અને હોસ્પિટલની રખેવાળી માટે 1851 બાઉન્સરો મુકાયા
- વિવિધ ગાર્ડનમાં ટેન્ડરની શરત મુજબ સિકયુરીટી ગાર્ડ મુકાતા નથી,
- સલામતીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવાનો વિપક્ષનો આક્ષેપ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની બિલ્ડિંગો અને હોસ્પિટલોની રખેવાળી માટે બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પાછળ છેલ્લા 10 વર્ષમાં 245 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એએમસીએ 12 અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓને બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. છતાં પણ બિલ્ડીંગો અને સ્થળની સુરક્ષા યોગ્ય રીતે થતી નથી. નાગરિકોની ફરિયાદોથી ગભરાતા ભાજપના શાસકોને તંત્રના અધિકારીઓ કોને ડરાવવા માટે આ બાઉન્સર મૂકવામાં આવ્યા છે તેવા વિપક્ષ દ્વારા વેધક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ બિલ્ડિંગમાં સુરક્ષા અને સલામતીના નામે એએમસીએ છેલ્લા દસ વર્ષમાં સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સર પાછળ રુપિયા 244.84 કરોડનું આંધણ કર્યુ છે. બાર એજન્સીઓ 1851 જેટલા સિકયુરીટી ગાર્ડસ પુરા પાડે છે. એજન્સીઓ તરફથી મુકાયેલા બિલોમાં પોઈન્ટ વાઈસ ચકાસણી કરાતા ગેરરીતિ જોવા ના મળતા એકપણ એજન્સીને બ્લેકલિસ્ટ નહીં કરાઈ હોવાનો મ્યુનિ.તંત્ર તરફથી દાવો કરાયો હતો.જોકે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડરની શરત મુજબ વિવિધ ગાર્ડનમાં સિકયુરીટી ગાર્ડ મુકાતા નહીં હોવાથી બાર એજન્સીઓને 67 લાખથી વધુની રકમની પેનલ્ટી કરી હતી જે વિગત તંત્રે છુપાવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બિલ્ડીંગોમાં સુરક્ષા માટે એસ્કોર્ટ સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી, રાજપુત સિક્યિરિટી, ગુજરાત સિક્યુરિટી, વગેરે સહિત 12 એજન્સીના 1851 જેટલા ગાર્ડ મૂકવામાં આવ્યા છે. વિપક્ષના નેતાએ AMC બજેટ બેઠકમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ સાથે બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા તોછડાઈપૂર્વક વર્તન કરવામાં આવે છે. સિક્યુરિટી એજન્સીઓને ચૂકવવામાં આવેલા રૂ. 245 કરોડના ખર્ચને તેમણે બિનજરૂરી ખર્ચ ગણાવ્યો હતો.