
નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છે. જો કે, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ટીમમાં સ્થાન ન પસંદગી ના પામનાર વિકેટકિપર કમ બેસ્ટમેન લિટ્ટન દાસ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ક્રિકેટર શિવ મંદિરમાં પુજા કરતા જોવા મળ્યો હતો.
ભારત સહિત દુનિયાના વિવિધ દેશમાં વસવાટ કરતા હિન્દુઓ દ્વારા આજે મહાશિવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુ ખેલાડી લિટ્ટન દાસ પણ ઢાકાના એક મંદિર ગયો હતો. જ્યાં તેણે મહાદેવની પુજા કરી હતી. ક્રિકેટરે શિવલિંગને જળ અર્પણ કર્યું હતું. જે મંદિરમાં લિટ્ટન દાસ ગયો હતો ત્યાં અનેક શિવલિંગ જોવા મળ્યાં હતા. લિટ્ટન દાસ માત્ર શિવરાત્રી જ નહીં ગણેશ ચતુર્થી અને દુર્ગા પુજા સહિતના તમામ હિન્દુ તહેવારોની ધાર્મિક રીતે ઉજવણી કરે છે. બાંગ્લાદેશનો આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે તેની ચેમ્પિયન્સ ટ્રોફી માટે બાંગ્લાદેશની ટીમમાં પસંદગી ન થઈ હોવાનું જાણવા મળે છે.