
ચાલુ વર્ષે જ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ્સમાં ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હીઃ એડવાન્ટેજ આસામ 2.0 ના સત્રને સંબોધતા, રેલ્વે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપનાથી એટલી ઉત્તમ ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે કે ઘણા દેશોએ અહીં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટેની યોજનાઓનું અનાવરણ કરતા, તેમણે ઉત્તરપૂર્વને ભારતના વિકાસ માટે નવું એન્જિન ગણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આસામમાં મોદી સરકાર દ્વારા મંજૂર કરાયેલ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને આવતા વર્ષ સુધીમાં મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ્સની ઉપલબ્ધતા આ ક્ષેત્રમાં ભારત અને આસામ બંનેનું ગૌરવ વધારશે. તેમણે કહ્યું કે, સિંગાપોર, મલેશિયા અને જાપાનની ઘણી કંપનીઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટની નજીક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરે અને તેમની ઓફિસો સ્થાપે તેવી અપેક્ષા છે.
આ પ્રસંગે વૈષ્ણવે પ્રદેશમાં રેલ્વે અને આઇટી ઉદ્યોગોના વિકાસને વેગ આપવાના હેતુથી અનેક મોટી પહેલો અને પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. આસામમાં મોઈનારબંદ અને સિન્નામરા ખાતે બે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલના કમિશનિંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ પહેલાથી જ ઉત્તરપૂર્વમાં કાર્યરત છે અને ટૂંક સમયમાં આવી બીજી ટ્રેન ગુવાહાટી-અગરતલાને જોડશે. તેમણે ગુવાહાટી-દિલ્હી અને ગુવાહાટી-ચેન્નાઈ વચ્ચે બે અમૃત ભારત ટ્રેનોની મંજૂરી વિશે પણ માહિતી આપી, જે આ વર્ષે કાર્યરત થશે.