રાજકોટ, 1 જુલાઈ 2026 : Congress protests against the cost scandal in demolition શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થોડા દિવસ પહેલા મ્યુનિ. દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલિશનની કામગીરી દરમિયાન મ્યુનિના અધિકારીઓએ ચા- નાસ્તા, ભોજન અને પીવા માટે મીનરલ વોટરની બોટલો પાછળ કૂલ મળીને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પ્રજાના ટેક્સના નાણાના વેડફાટ સામે શહેરીજનોમાં પણ વિરોધ ઊઠ્યો હતો. ત્યારે આ મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં નેતાઓ અને કાર્યકરોએ મ્યુનિના વેસ્ટ ઝોન કચેરી ખાતે અનોખો વિરોધ કર્યો હતો. અને મ્યુ કમિશ્નરે તપાસ માટે જે સમિતિ નિમી છે, તે બિલાડીને દુધના રખોપા સમાન ગણવવામાં આવી હતી. અને ડે. કમિશ્નર પર પ્રતિકાત્મક બિલાડી ફેંકી, SIT પાસે તપાસ કરાવવાની કોંગેસે માંગ કરી હતી.
શહેરના જંગલેશ્વરના ડિમોલિશન વખતે અધિકારીઓ અને કર્મચારીઓના ખર્ચકાંડના મુદ્દે કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે. શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સામે ગંભીર આક્ષેપો કરીને મોરચો ખોલવામાં આવ્યો છે. આજે શહેર કોંગ્રેસના તમામ અગ્રણી આગેવાનો અને મહિલા તેમજ પુરુષ કોર્પોરેટરો મોટી સંખ્યામાં કોર્પોરેશનની કચેરીએ ઉમટી પડ્યા હતા અને કમિશનર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે કચેરી પરિસરમાં ભારે ધમાલ મચી ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્પોરેશનના પરિસરમાં પોલીસ અને વિજીલન્સ ટીમ તૈનાત કરવામાં આવી હતી, જેની હાજરી વચ્ચે જ કોંગ્રેસના કાર્યકરોએ કમિશનર વિરુદ્ધ ઉગ્ર રજૂઆતો કરી હતી.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ તંત્રના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કરતા એક અનોખો અને કટાક્ષમય વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણી સમક્ષ વિરોધ દર્શાવતા “દૂધનું ધ્યાન બિલાડી રાખી રહી છે” તેવા સૂત્રોચ્ચારો કર્યા હતા અને પ્રતિકાત્મક રીતે બિલાડીનો ઘા કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસે તંત્રની તપાસ પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા કટાક્ષ કર્યો હતો કે “બિલાડીને દૂધ પીવડાવો!”, કારણ કે જે અધિકારીઓ શંકાના દાયરામાં છે તેમની તપાસ પણ તંત્રના જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવી રહી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી કમિશનર એ મ્યુ કમિશનરના તાબા હેઠળ કામ કરે છે. સમગ્ર મામલામાં કમિશનરની સંડોવણી હોવાની પૂરતી શક્યતા છે. આ મામલે રાજ્ય સરકારના નિયમ મુજબ ઉચ્ચ અધિકારી ઉપર કોઈ આરોપ હોય તો તેની તપાસ નિવૃત જજ કે SIT દ્વારા થવી જોઈએ. કમિશનરની તપાસ ડેપ્યુટી કમિશનર કઈ રીતે નિષ્પક્ષ રીતે કરી શકે? આથી જ કોંગ્રેસ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ માટે એક સ્વતંત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરી છે.


