Homeગુજરાતીગુજરાતસુરેન્દ્રનગરના સિંચાઈ વિહાણો ચાર તાલુકામાં વરસાદના અભાવે કૃષિપાક સુકાવા લાગ્યો

સુરેન્દ્રનગરના સિંચાઈ વિહાણો ચાર તાલુકામાં વરસાદના અભાવે કૃષિપાક સુકાવા લાગ્યો

સુરેન્દ્રનગર, 9 સપ્ટેમ્બર, 2026 : Crops started drying up due to lack of rain in four talukas of Surendranagar ઝાલાવાડ પંથકમાં અપૂરતા વરસાદને લીધે ચાર તાલુકામાં અછતની સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. અને જિલ્લાના મોટાભાગના વિસ્તારને નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળી રહ્યો છે. પણ જિલ્લાના મૂળી, સાયલા, ચોટીલા, થાનગઢ સહિતના તાલુકામાં સિચાઈનો પુરતો લાભ મળ્યો નથી. આ ચારેય તાલુકામાં અપુરતા વરસાદને લીધે પાણીના તળ ઊંડા ગયા છે. અને બીજીબાજુ  કપાસ, મગફળી, તલ, લીલો ચારો, શાકભાજી જેવા પાકો સુકાવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

સરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં  વરસાદની અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને જ્યાં સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી, ત્યાં ઉભા પાકો સુકાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, સાયલા, ચોટીલા, થાનગઢ સહિતના તાલુકામાં વરસાદ ખેંચાવાના કારણે સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હાલ કપાસ, મગફળી, તલ, લીલો ચારો, શાકભાજી જેવા પાકો સુકાવા લાગ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ તમામ તાલુકાઓમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જોકે છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લઈ લીધો છે. પિયત અને સિંચાઈ માટે પાણી ન હોવાથી ખેડૂતોના પાકો હવે ખેતરોમાં સુકાવા લાગ્યા છે. ત્યારે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને કેટલ કેમ્પ ખોલીને પશુપાલકોને સહાય કરવાની વ્યવસ્થા અંગે સરકાર વિચારણા હાથ ધરે તેવી પણ માંગ કરવામાં આવી છે. માલ-ઢોરને ચરાવવા માટે ગૌચરની જગ્યાઓમાં પૂરતું ઘાસ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત વેચાતું ખડ કે ઘાસ લેવા જાય તો તેના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. લીલા ઘાસચારાના ભાવ પ્રતિ મણે 150 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ ઉપરાંત સૂકા ઘાસચારાના ભાવ 500 થી 600 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે. વરસાદ ખેંચાયો હોવાના કારણે માલ-ઢોર સાચવવા પણ ખૂબ કઠિન બની રહ્યા છે. સામે દૂધના ભાવ મળી રહ્યા નથી, ત્યારે હવે માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

સુરેન્દ્રનગર એ કપાસ ઉત્પાદનનું હબ ગણાતો જિલ્લો છે. હાલ વરસાદ ખેંચાયો હોવાના કારણે અને સિંચાઈ તથા પિયતના પાણીની સુવિધા ન હોવાના કારણે ચાર જેટલા તાલુકામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરી અને કેટલ કેમ્પ ખોલીને માલધારીઓની સહાયતા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular